ખાદ્યતેલ અને ક્રૂડ પર સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી, ડુંગળીને લઈને પણ કેન્દ્રની મોટી જાહેરાત

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ખાદ્યતેલ અને ક્રૂડ પર સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી, ડુંગળીને લઈને પણ કેન્દ્રની મોટી જાહેરાત 1 - image


Custom Duty Rise On Edible Oils : સામાન્ય માણસ મોંઘવારીને લઈને સતત પરેશાન છે, ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ક્રૂડ અને રોજીંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલ(રિફાઈન્ડ ઓઈલ) પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી 0થી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે. 

ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી 32.5 કરાઈ 

નાણા મંત્રાલએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારી છે. કસ્ટમ ડ્યુટીમાં કરાયેલા ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ થઇ જશે. ક્રૂડ ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0થી વધારી 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર તે કસ્ટમ ડ્યુટી 12.5થી વધારી 32.5 ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયા બાદ હવે ક્રૂડ ઓઈલ પ્રભાવી ડ્યુટી વધીને  5.5 ટકાથી વધીને 27.5 ટકા અને ખાદ્ય તેલ પરની પ્રભાવી ડ્યુટી અનુક્રમે 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.

 ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડીને 20 ટકા કરી

સરકારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે વધુ એક મોટો નિર્ણય લીધો છે.  ડુંગળીના ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દીધી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી હતી. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે.

ખેડૂતોને ફાયદો થશે

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. આ સિવાય બાસમતી અને ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે, અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.



Google NewsGoogle News