યુએઈને વધુ 10,000 ટન ડુંગળી નિકાસ કરવાનો સરકારનો નિર્ણય

- દેશના કેટલાક શહેરોમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ બેમુદત લંબાવ્યો છે

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
યુએઈને વધુ 10,000  ટન ડુંગળી નિકાસ કરવાનો સરકારનો નિર્ણય 1 - image


મુંબઈ : નેશનલ કોઓપરેટિવ એકસપોર્ટસ લિ. (એનસીઈએલ) મારફત ભારતે યુનાઈટેડ આરબ અમીરાતસ ખાતે વધુ ૧૦,૦૦૦ ટન ડુંગળી નિકાસની પરવાનગી આપી છે. ગયા મહિને ૧૪૪૦૦ ટન ડુંગળી નિકાસ છૂટ અપાઈ હતી.

ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના નોટિફિકેશન પ્રમાણે, ૧લી માર્ચ ૨૦૨૪ના રોજ જારી કરાયેલા કવોટા ઉપરાંતની આ નિકાસ છૂટ અપાઈ છે. 

દેશમાંથી કાંદાની નિકાસ પર બેમુદત પ્રતિબંધ લાગુ કરાયો છે પરંતુ કોઈ દેશની સરકારની વિનંતી પર ભારત સરકાર તેમને કાંદાનો પૂરવઠો પૂરો પાડે છે. 

દેશના કેટલાક શહેરોમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ બેમુદત લંબાવ્યો  છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો છે. 

ભારત ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ જે  ૩૧મી માર્ચ સુધી હતો તે  બેમુદત લંબાવવામાં આવ્યો હોવાનું ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના સુત્રોએ બે સપ્તાહ પહેલા જણાવ્યું હતું. 

કાંદાના ભાવ એકંદરે નીચે આવી જતા નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાશે તેવી ટ્રેડરોને આશા હતી. ગયા નાણાં વર્ષમાં ભારત દ્વારા ૨૫ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. 

દેશમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.પોતાની ડુંગળીની આવશ્યકતા માટે બંગલાદેશ, યુએઈ, નેપાળ, મલેશિયા સહિતના કેટલાક દેશો ભારત પર નિર્ભર કરે છે. 

કાંદાની નિકાસ બજારમાં ચીન તથા ઈજિપ્ત ભારતના સ્પર્ધક દેશો છે. એશિયાના દેશોની આયાતમાં પચાસ ટકાથી વધુ કાંદા ભારત ખાતેથી જાય છે.  



Google NewsGoogle News