Get The App

ઘઉંના વેપારીઓને સરકારનો મોટો આદેશ, સ્ટોક કરવાના માપદંડ કરાયા કડક

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઘઉંના વેપારીઓને સરકારનો મોટો આદેશ, સ્ટોક કરવાના માપદંડ કરાયા કડક 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર

રોટલી ખાવી એ મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ જ્યારે આ મોંઘી થવા લાગે તો ચિંતાની વાત છે. સરકારે ઘઉંની સંગ્રહખોરી રોકવા અને કિંમતો પર અંકુશ લગાવવા માટે શુક્રવારે તાત્કાલિક પગલા ઉઠાવ્યા છે. સરકારે જથ્થાબંધ, છૂટક વિક્રેતાઓ, મોટા છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસિંગ ફર્મ માટે ઘઉંનો ભંડાર રાખવાના માનદંડોને કડક કરી દીધા છે. મળતી માહિતી અનુસાર ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ શુક્રવારે જણાવ્યુ કે વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે ઘઉં સંગ્રહ મર્યાદા 2,000 ટનથી ઘટાડીને 1,000 ટન કરી દેવાઈ છે. 

નવી સ્ટોક લિમિટ તાત્કાલિક અસરથી અમલમાં આવશે

દરેક છૂટક વેચાણકર્તા માટે સંગ્રહ મર્યાદા 10 ટનના બદલે પાંચ ટન, મોટા છુટક વેચાણકર્તાના પ્રત્યેક ડેપો માટે પાંચ ટન અને તેમના તમામ ડેપો માટે તે મર્યાદા કુલ મળીને 1,000 ટન હશે. ઘઉંની પ્રોસેસ કરનાર કંપની નાણાકીય વર્ષ 2023-24ના બાકી મહિનાના ગુણોત્તરમાં માસિક સ્થાપિત ક્ષમતાના 70 ટકા રાખી શકે છે. ઘઉંની કૃત્રિમ તંગીની સ્થિતિને રોકવા અને સંગ્રહખોરી પર લગામ લગાવવા માટે આવુ કરવામાં આવ્યુ છે. સુધારેલી સ્ટોક મર્યાદા તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

વેપારીઓને 30 દિવસનો સમય આપવામાં આવ્યો

વેપારીઓને પોતાનો સ્ટોક સુધારેલી મર્યાદા સુધી ઓછો કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે. ઘઉંનો સંગ્રહ કરનાર તમામ ફર્મમાં ઘઉં સ્ટોક મર્યાદા સંબંધી પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવુ પડશે અને દર શુક્રવારે પોતાના સ્ટોક વિશે જાણકારી આપવી પડશે. પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલી કે સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરનાર ફર્મ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, 1955ની કલમ છ અને સાત હેઠળ યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે 12 જૂને અનાજ વેપારીઓ પર માર્ચ 2024 સુધી સ્ટોક રાખવાની મર્યાદા લાગુ કરી દીધી હતી.

જે બાદ 14 સપ્ટેમ્બરે આ મર્યાદાને વધુ ઘટાડીને વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ અને તેમના તમામ ડેપોમાં મોટા રિટેલર્સ માટે 2,000 ટન કરી દેવાઈ હતી. સરકારે મે 2022થી જ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ફ્રી માર્કેટ સેલ સ્કીમ હેઠળ જથ્થાબંધ ઘઉં વપરાશકર્તાઓને સબસિડીવાળા દરે વેચવામાં આવે છે.


Google NewsGoogle News