EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ
Image: IANS |
EPFO New Rules: ઈપીએફઓમાં પેન્શન માટે યોગદાન આપતાં કર્મચારીઓને તેમના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન સ્વરૂપે તબદીલ કરવાનો વિકલ્પ મળી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં લેતાં ઈપીએફઓ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે, જો કોઈ કર્મચારી નિવૃત્ત થયા બાદ ઈચ્છે તો તે તેના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન ફંડમાં ડાયવર્ટ કરી શકે છે. જેથી તેને વધુ પેન્શન મળી શકે. સરકાર આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. તમામ મુદ્દાઓ પર વિચારણા કરી આ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ શેરબજાર સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 85000 ક્રોસ, 258 શેર્સ વાર્ષિક ટોચે
20 લાખ કર્મચારીઓ જોડાયા
જુલાઈ મહિનામાં ઈપીએફઓમાં આશરે 20 લાખ નવા કર્મચારીઓ જોડાયા છે. જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી સૌથી વધુ છે. કુલ 1994 લાખ લોકોએ જુલાઈમાં નવી નોકરી શરૂ કરતાં ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જેમાંથી 10.52 લાખ કર્મચારીઓએ પ્રથમ વખત નોકરી શરૂ કરી છે.
ઈપીએફઓ પોર્ટલને એડવાન્સ બનાવાશે
ઈપીએફઓ પોર્ટલ સંબંધિત સમસ્યાઓ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમે ઈપીએફઓ પોર્ટલને કોઈ બેન્કિંગ વેબસાઈટની જેમ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. આગામી છ મહિનામાં તેમાં વ્યાપક સુધારો જોવા મળશે. બેન્કિંગ પોર્ટલની તર્જ પર ઈપીએફઓના પોર્ટલ પર પણ કર્મચારીઓને એક જ ક્લિક પર તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. જેના માટે સમગ્ર સિસ્ટમમાં સુધારો કરી રહ્યા છીએ.