Get The App

સરકાર દિગ્ગજ કંપનીઓ સાથે 1 લાખ કરોડના ટેક્સ વિવાદની પતાવટ કરશે

- ટેક્સ વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા અને કાયદાકીય કેસની આંટીઘૂંટી ઘટાડવાનો સરકારનો ઉદ્દેશ્ય

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
સરકાર દિગ્ગજ કંપનીઓ સાથે  1 લાખ કરોડના ટેક્સ વિવાદની પતાવટ કરશે 1 - image


અમદાવાદ : સરકાર ઇન્ફોસિસ લિમિટેડ અને દિગ્ગજ વિદેશી એરલાઇન્સ જેવી મોટી કંપનીઓ સાથેના ટેક્સ વિવાદોને ઉકેલવા માટે માર્ગો શોધી રહી છે. રિપોર્ટ અનુસાર ભારત સરકાર રોકાણકારોના માનસપટને ઠેસ પહોંચાડયા વિના સમાધાન કરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ ઇન્ફોસિસ સહિતની કંપનીઓ સાથે કરાર કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. 

ભારતનો સ્થાનિકની સાથે વિદેશી કંપનીઓ સાથે ટેક્સ વિવાદોનો લાંબો ઈતિહાસ છે જેમ કે કેઇર્ન ઈન્ડિયા, વોડાફોન ગુ્રપ સહિત અનેક. ગત મહિને દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસને વર્ષ ૨૦૧૭ માટે રૂ. ૩૨,૪૦૩ કરોડ (૩.૯ બિલિયન ડોલર)ના બેક ડેટેડ ટેક્સની નોટિસ મળી હતી. અધિકારીઓનું માનવું છે કે કંપનીની વિદેશી ઓફિસો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. તદુપરાંત બ્રિટિશ એરવેઝ સહિત ૧૦ વિદેશી એરલાઈન્સને પણ ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે. એક અંદાજ અનુઆર સરકારે સ્થાનિક સહિત વિદેશી કંપનીઓને ૨૦૧૮થી ૨૦૨૨ના વર્ષ માટે અંદાજે ૧ લાખ કરોડથી વધુની જીએસટી ટેક્સ નોટિસો ફટકારી છે.

વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે આ ટેક્સ નોટિસ, કોઈપણ પૂર્વ સૂચના વિના જારી કરવામાં આવી છે અને ચીનમાંથી રોકાણ આકર્ષવાના ભારતના પ્રયાસોને નુકસાન પહોંચાડી શકે છે અને ભારતમાં વેપાર કરવો હજુ પણ મુશ્કેલ છે તેવી ધારણાને વધુ મજબૂત કરી શકે છે.

ટીકાકારોનો મત છે કે આ પ્રકારના કિસ્સાઓ બિઝનેસનું વાતાવરણ બગાડે છે અને વિદેશી રોકાણકારોને નિરાશ કરી શકે છે. ખાસ કરીને જ્યારે ભારતને તેની અર્થવ્યવસ્થાના વિકાસ માટે વિદેશી રોકાણની જરૂર છે તેવા સમયે આ પ્રકારની નોટિસો વિશ્વાસને ડહોળવાનું કામ કરે છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ૯મી સપ્ટેમ્બર મળનારી કેન્દ્રીય અને રાજ્યોના નાણાપ્રધાનોની GST કાઉન્સિલની બેઠકમાં આ નોટિસો સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સરકાર આ પ્રકારના મુદ્દાનો ઉકેલ શોધવા પર કામ કરી રહી છે જેથી કરીને લાંબા ગાળે બિઝનેસ કરવાની સરળતા-સુગમતા જળવાઈ રહે.

સરકારનો ઉદ્દેશ્ય આ વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા અને કાયદાકીય કેસની આંટીઘૂંટી ઘટાડવાનો છે. બુધવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ટેક્સ અધિકારીઓને તેમની સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને સ્વૈચ્છિક ટેક્સ ફાઇલિંગને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા ઉપાય તરીકે જ કાયદાની મદદ લેવા આગ્રહ કર્યો હતો.


Google NewsGoogle News