Get The App

'સરકારી સબસિડી ચિંતાનો વિષય, GDP પર પડી શકે છે અસર', RBI ગવર્નરનું મોટું નિવેદન

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
GDP Growth India


GDP Growth In India: RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સબસિડી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો દ્વારા મૂડી ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ વધુ પડતી સબસિડી પાછળ થતો ખર્ચ ચિંતાનો વિષય છે.

મુંબઈમાં આયોજિત BFSI સમિટમાં દાસે જણાવ્યું હતું કે, ‘સબસિડીનો ખર્ચ ઘણો વધારે છે અને પ્રથમ ત્રિમાસિકમાં સરકારી ખર્ચ જીડીપીને નીચે ખેંચી રહ્યો છે. સરકારી ખર્ચ વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યોની આવક અને મૂડી ખર્ચ બંને વધી રહ્યા છે. જે જીડીપી માટે ચિંતાનો વિષય છે.’

ફૂડ સબસિડી માટે 2 લાખ કરોડનું બજેટ

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સરકારી સબસિડી માટે ચૂકવણીમાં વધારો થયો છે. સરકારે FY25માં ફૂડ સબસિડી માટે રૂ. 2,05,250 કરોડનું બજેટ રાખ્યું છે. જે 2023-24ના રૂ. 2,12,332 કરોડના સુધારેલા અંદાજ કરતાં 3% ઓછું છે. સરકારે રવિ સિઝન માટે પોષક તત્વો આધારિત ખાતર સબસિડી માટે રૂ. 24,475.53 કરોડની જોગવાઈ પણ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની માત્ર 3 ટકા મહિલાઓ ઉધાર લે છે, ગ્રામીણ વિસ્તારમાં દેવાનં પ્રમાણ શહેર કરતાં વધુ

જીડીપી ગ્રોથ અંદાજ કરતાં ઘટ્યો

ભારતીય અર્થતંત્ર એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 6.7 ટકા વધ્યું હતું, જે આરબીઆઈના 7.1 ટકાના અનુમાન કરતાં ઓછો હતો. 2024-25 (Q2 2024-25)ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે GDP ગ્રોથ અંદાજ 29 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દાસે કહ્યું કે વધુ પડતો સબસિડી ખર્ચ જીડીપી પર અસર કરશે.

આરબીઆઈએ ભારતનો 2024-25નો જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. IMF અને વર્લ્ડ બેન્કના મતે તે 7.0 ટકા હોઈ શકે છે. કેટલીક વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને બહુપક્ષીય સંસ્થાઓએ પણ ભારત માટે જીડીપી ગ્રોથ અનુમાનમાં સુધારો કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં 2024-25 માટે ભારતની રિઅલ જીડીપી ગ્રોથ 6.5-7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો જીડીપી પ્રભાવશાળી 8.2 ટકા વૃદ્ધિ સાથે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બન્યો હતો. 2022-23માં 7.2 ટકા અને 2021-22માં 8.7 ટકા જીડીપી ગ્રોથ નોંધાયો હતો.

'સરકારી સબસિડી ચિંતાનો વિષય, GDP પર પડી શકે છે અસર', RBI ગવર્નરનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News