Get The App

અદાણી મામલે વિવાદમાં સંપડાયેલા માધબી બુચના સ્થાને SEBIને મળશે નવા ચેરમેન, અરજીઓ મંગાવાઈ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
SEBI


SEBI Chairperson Recruitment: કેન્દ્રીય નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)ના ચેરપર્સન માટે અરજીઓ મંગાવી છે. 17 ફેબ્રુઆરી સુધી સેબીના ચેરપર્સન પદ માટે અરજી કરી શકાશે. વર્તમાન સેબી ચેરપર્સન માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ સતત વિવાદોમાં રહેલા માધબી પુરી બુચનું ચેરમેન પદેથી રાજીનામું લેવાની માગ ઉઠી હતી. હવે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી નવા ચેરપર્સનની નિમણૂક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સેબીના ચેરપર્સનનો કાર્યકાળ પાંચ વર્ષનો

સેબીના ચેરપર્સન તરીકે મહત્તમ પાંચ વર્ષ સુધી સેવા આપી શકે છે. જો ચેરપર્સનની વય કાર્યકાળના પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જ 65 વર્ષની થાય તો તેમણે અધવચ્ચે આ પદ છોડવું પડે છે. માધબી પુરી બુચનો કાર્યકાળ 2 માર્ચ, 2022થી શરુ થયો હતો. જો કે, માધબી પુરી બુચનો લંબાવવામાં આવેલો કાર્યકાળ ત્રણ વર્ષનો જ હોવાથી તે 28 ફેબ્રુઆરી, 2024ના રોજ પૂર્ણ થશે. અગાઉ 2017થી 2022 સુધી પૂર્ણ કાળના સભ્ય પદે કામ કરી ચૂક્યા છે.

મહિને પાંચ લાખ રૂપિયા પગાર

સેબીના ચેરપર્સનને ભારત સરકારના સચિવના સમકક્ષ પગાર લેવાનો વિકલ્પ મળે છે. જેમાં તેઓ કાર અને ઘર વિના રૂ. 562500 પ્રતિ મહિને પગાર લઈ શકે છે. સરકાર ઑક્ટોબરથી માધબી પુરી બુચનો વિકલ્પ શોધી રહી છે.

આ રીતે થશે નિમણૂક

મંત્રાલય દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, સેબીના રેગ્યુલેટર તરીકેની મહત્ત્વની ભૂમિકાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખતાં ઉમેદવાર "ઉચ્ચ પ્રામાણિકતા, પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા  50 વર્ષથી વધુ ઉંમરની અને 25 વર્ષથી વધુ પ્રોફેશનલ અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવાર પાસે "સિક્યુરિટીઝ બજારોને લગતી સમસ્યાઓનો સામનો કરવાની સક્ષમતા હોવી જોઈએ. કાયદો, નાણાં, અર્થશાસ્ત્ર, એકાઉન્ટન્સીનું વિશેષ જ્ઞાન અથવા અનુભવ હોવો જોઈએ. સરકાર સેબીના ચેરપર્સનની નિમણૂક ફાયનાન્સિયલ સેક્ટર રેગ્યુલેટરી અપોઇન્ટમેન્ટ્સ સર્ચ કમિટી(FSRASC)ની ભલામણોના આધારે થશે.

માધબીનો કાર્યકાળ વિવાદિત રહ્યો

સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ પર  હિન્ડબર્ગ દ્વારા અદાણી ગ્રૂપમાં શેરોની ગેરરીતિ મુદ્દે સંડોવણીના આરોપ મૂકાતાં તેઓ વિવાદોમાં રહ્યા હતા. વિપક્ષ દ્વારા તેમનું રાજીનામું લેવા અને કાર્યવાહી હાથ ધરવાની માગ પણ થઈ હતી. આ સિવાય સેબીના કર્મચારીઓ દ્વારા માધબી પુરી બુચના લીધે ઑફિસમાં ટોક્સિક માહોલ સર્જાયો હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. કર્મચારીઓએ તેમને પદ પરથી હટાવવા ધરણાં પણ કર્યા હતા. 



Google NewsGoogle News