દેશી ચણા પર હવે કોઈ આયાત ડ્યૂટી નહિં, ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી
Onion Exports duty: કેન્દ્ર સરકારે શુક્રવારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી હોવાની જાહેરાત કરી હતી. જ્યારે દેશી ચણાની આયાત પર 31 માર્ચ, 2025 સુધી કોઈ ડ્યૂટી લાગૂ નહિં થાય. હાલમાં જ સરકારે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરી ખેડૂતોને રાહત આપી હતી. પરંતુ ડ્યૂટીમાં વધારો કરતાં નિકાસકારોની કમાણી ઘટશે.
વધુમાં પીળા વટાણાની આયાત 31 ઓક્ટોબર, 2024 સુધી ડ્યૂટી ફ્રી રહેશે. નોટિફિકેશન જારી કરી નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આ ફેરફારો 4 મેથી લાગૂ થશે. હાલમાં જ કેન્દ્ર સરકારે છ પાડોશી દેશો યુએઈ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, બહેરિન, મોરેશિયસ સહિતના છ પાડોશી દેશોમાં 1 લાખ ટન ડુંગળી નિકાસ કરવા મંજૂરી આપી છે.
ગતવર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા ડ્યુટી લાદી હતી.
ચણાનું વાવેતર ઘટતાં કેન્દ્ર સરકારે દેશી ચણા પરથી આયાત ડ્યૂટી દૂર કરી 31 માર્ચ, 2025 સુધી ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. ગત મહિને ચણાની કિંમત 10 ટકા વધી રૂ. 6300 ક્વિન્ટલ થઈ હતી. જે અગાઉ ફેબ્રુઆરીમાં રૂ. 5700 પ્રતિ ક્વિન્ટલ હતી. ટ્રેડર્સે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયામાંથી દેશી ચણાની આયાત થાય છે. સરકાર મુખ્ય ખાદ્ય ચીજોના પાક અને કિંમત પર સતત દેખરેખ રાખી આયાત-નિકાસના નિર્ણયો લઈ રહી છે.