સરકારે ચોખાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ : સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા લીધો નિર્ણય
છેલ્લા કેટલાક દિવસોમાં ચોખાના ભાવમાં ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ ઓછા વરસાદને કારણે ચોખાની વાવણીને અસર થઈ છે. પૂરના કારણે પંજાબ અને હરિયાણામાં ચોખાના પાકને અસર થઈ છે.
નવી દિલ્હી, તા.20 જુલાઈ-2023, ગુરુવાર
કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં આ માહિતી આપી છે. નોટિફિકેશન મુજબ નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકાયો છે. જોકે બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકાયો નથી.
નબળા ચોમાસાને કારણે ચોખા અને કઠોળના પાક પર ખતરો વધ્યો
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. ઘઉં, ચોખા, દૂધ, શાકભાજીની સાથે દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં નબળા ચોમાસાને કારણે ચોખા અને કઠોળના પાક પર ખતરો વધ્યો છે, જેને પગલે દેશમાં ચોખાના ભાવમાં વધારાને રોકવા માટે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ ડીજીએફટીએ જણાવ્યું હતું કે, બિન-બાસમતી સફેદ ચોખા (સેમી-મીલ્ડ અથવા સંપૂર્ણ સેમી ચોખા, પછી ભલે તે પોલિશ કરેલા હોય કે ન હોત)ની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, નોન-બાસમતી ચોખા હજુ પણ અમુક શરતો સાથે નિકાસ કરી શકાય છે.
ખરીફ પાકની ઓછી વાવણીથી સરકાર ચિંતિત
14 જુલાઈ સુધી દેશમાં ખરીફ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીએ 2 ટકા ઓછી રહી છે. કુલ વાવાયેલા વિસ્તારમાં ચોખાનું વાવેતર 6.1 ટકા વિસ્તારમાં થાય છે જ્યારે કઠોળ પાકનું વાવેતર 13.3 ટકા વિસ્તારમાં થાય છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય ખરીફ ચોખા ઉગાડતા રાજ્યોમાં ઓછા વરસાદને કારણે વાવણીમાં વિલંબ થયો છે.
ચોમાસુ મોડું શરૂ થતા વાવણી પણ ધીમી ગતિએ
વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ મોડું શરૂ થયું હતું જેને કારણે મુખ્ય ખરીફ પાક ચોખાની વાવણી પણ ધીમી ગતિએ થઈ રહી છે. ગયા સપ્તાહના અંત સુધીમાં ડાંગરનું વાવેતર ગયા વર્ષના જુલાઈના પ્રથમ સપ્તાહની સરખામણીએ 25 ટકા જેટલું ઓછું રહ્યું હતું. ભારત વિશ્વમાં ચોખાનો મોટો નિકાસકાર દેશ છે ત્યારે નિકાસમાં કોઈપણ પ્રતિબંધથી વિશ્વ બજારમાં ચોખાના ભાવમાં ઉછાળો આવતા વાર નહીં લાગે.
સરકારના નિર્ણય બાદ દેશમાંથી ચોખાની 80 ટકા નિકાસ ઘટવાની સંભાવના
બાસમતિ સિવાયના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા દેશમાંથી ચોખાની 80 ટકા નિકાસ ઘટવાની સંભાવના છે. આને કારણે ઘરઆંગણે ચોખાના ભાવ ઘટશે પરંતુ વિશ્વ બજારમાં ભાવ જે હાલમાં અગાઉથી જ ઊંચા છે તેમાં વધુ વધારો જોવા મળશે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ચોમાસામાં વરસાદના અપ્રમાણસર વિતરણથી વિવિધ પ્રકારના ચોખાના ભાવમાં છેલ્લા પખવાડિયામાં અઢારથી વીસ ટકા વધારો જોવા મળ્યો છે. 2023-24ના (જુલાઈથી જૂન) વર્તમાન ક્રોપ યર માટે સરકારે ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ ૨૧૮૩ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જો કે ખુલ્લા બજારમાં ભાવ આનાથી ઘણાં ઊંચા બોલાઈ રહ્યા છે.
ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા
ચોખાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા જેટલો છે. 2022માં ભારત ખાતેથી 5.60 કરોડ ટન ચોખાની નિકાસ થઈ હતી. વિશ્વ બજારમાં ભારતના ચોખા સૌથી સસ્તા પડે છે એમ રાઈસ એકસપોર્ટર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારતે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયમન લાગુ કર્યા છે.