આયાત ડ્યુટીમાં વધારાના નામે ખાદ્ય તેલના વેપારીઓની ઉઘાડી લૂંટ, કેન્દ્ર સરકારે કરી લાલ આંખ
Edible Oil Price Hike by Retailers: કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્તાહે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં વધારો કરાતાં રિટેલ બજારના વેપારીઓએ તેલના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ગત સપ્તાહે જ સિંગતેલ, કપાસિયા, પામ તેલના ભાવમાં રૂ. 100 સુધીનો વધારો કર્યા બાદ આ સપ્તાહે વધુ રૂ. 50 સુધીનો વધારો ઝીંક્યો છે. જો કે, કેન્દ્ર સરકારે રિટેલ વેપારીઓને આડેધડ ભાવ ન વધારવા અપીલ કરી છે.
નીચા ભાવે 30 લાખ ટન તેલની આયાત
કેન્દ્ર સરકારે જણાયું છે કે, રિટેલ વેપારીઓ ખાદ્ય તેલના ભાવોમાં તોતિંગ વધારો ન કરે. કારણકે, ડ્યુટીમાં વધારો કર્યો તે પહેલાં દેશમાં 40થી 45 દિવસ સુધી ચાલી શકે તેટલા રિફાઈન્ડ ઓઈલની આયાત થઈ ચૂકી છે. અર્થાત ઝીરો કસ્ટમ ડ્યુટી પર 30 લાખ ટનથી વધુ રિફાઈન્ડ ઓઈલ આયાત કરવામાં આવ્યું છે. જેથી તેના પર ભાવ વધારો અયોગ્ય છે.
આ પણ વાંચોઃ ફેડરલ બાદ રિઝર્વ બેંકની આગામી ધિરાણ નીતિ પર બેંકરો તેમજ ઉદ્યોગોની નજર
સૌરાષ્ટ્ર તેલ બજારનો બેફામ ભાવ વધારો
ક્રુડ પામ, સોયા, સૂર્યમુખી તેલ પર 20 ટકાની કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતાં સૌરાષ્ટ્ર તેલ બજારમાં બેફામ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કપાસિયા અને પામ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર, મકાઈ, સરસવ તેલના ભાવ પણ 50 રૂપિયા વધ્યા છે. ચાલુ સપ્તાહમાં જ ભાવમાં 225થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ. 2130, પામ તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ. 1935 થયા છે.
સિંગતેલમાં પણ ભાવ વધારો
આશ્ચર્યની વાત એ છે કે સિંગતેલ માટે તો ભારત સ્વનિર્ભર છે અને આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષથી 4 લાખ હેક્ટર વધીને 47.49 લાખ હેક્ટરમાં થયું છે. ગુજરાતમાં પણ ગત વર્ષે 16.35 લાખ હે.થી વધીને 19.10 લાખ હે.વાવેતર છે. ગત વર્ષે રાજ્યમાં એટલા વાવેતરમાં પણ 46.45 લાખ ટન મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું. આમ છતાં, સૌરાષ્ટ્રના તેલમિલરોએ ગત સપ્તાહે ભાવમાં રૂ. 40નો વધારો ઝીંકી દીધો હતો. આ સપ્તાહે પણ ભાવ વધ્યા છે.
<