Good Bye 2023 : સ્ટાર્ટઅપ માટે સોનેરી તક, ચીનને પડ્યો ફટકો, ભારતમાં જોવા મળી હરિયાળી ક્રાંતિ, જુઓ કેવું રહ્યું 2023નું વર્ષ
ચીનમાંથી પૂરવઠો ઘટતા વૈશ્વિક બજારમાં ભારતના લસણની માગમાં વિક્રમી વધારો
ચીનમાંથી પૂરવઠો ઘટતા વૈશ્વિક સ્તરે લસણની અછત ઊભી થઈ છે જેનો ભારતને લાભ થઈ રહ્યો છે અને ભારત ખાતેથી નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન એ લસણનો મોટો ઉત્પાદક દેશ છે. નિકાસ માગ વધતા ઘરઆંગણે લસણના ભાવ ઊચકાયા છે, તે અલગ વાત છે. દેશમાંથી લસણની નિકાસનો નવો વિક્રમી આંક જોવા મળવાની તૈયારીમાં છે. ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં લસણની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ ૧૨૯ ટકા જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ ૧૧૦ ટકા ઊંચી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા ૨૭૭ કરોડ કિંમતના કુલ ૫૬૮૨૩ ટન્સ લસણની નિકાસ થવા પામી છે. લણસના વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૭૫ ટકા જેટલો છે. ચીનમાં અંદાજે ૨.૩૦ કરોડ ટન લસણનું ઉત્પાદન થાય છે જ્યારે ૩૩ લાખ ટન સાથે ભારત બીજા ક્રમે છે.
ઘઉં- ચોખા તથા ખાંડની બજારને કન્ટ્રોલમાં રાખવા કવાયત
દેશમાં વર્ષો પૂર્વે ઘરઆંગણે ઘઉં- ચોખાના ઉત્પાદન કરતા માગ વધુ રહેતાં એ દરમિયાનના ગાળામાં આપણે ઘઉં- ચોખાની આયાત કરતા હતા પરંતુ ત્યારબાદ હરિયાળી ક્રાંતિ સર્જાતાં દેશમાં ઘઉં- ચોખાનું ઉત્પાદન વધતાં આયાતના બદલે આપણે ઘઉં- ચોખાની નિકાસ કરતા થયા હતા. જોકે વિદાય લેતા વર્ષમાં ફરી જૂના ઈતિહાસનું પુનરાગમન થતું જોવા મળ્યું હતું. વિદાય લેતા વર્ષમાં દેશમાં ઘઉં- ચોખાની સપ્લાય જાળવી રાખવા તથા ઘઉં- ચોખાના બજાર ભાવ કાબુમાં રાખવા સરકારે ઘઉં- ચોખાની નિકાસ પર અંકુશો મુકવાની ફરજ પડી હતી. માત્ર ઘઉં- ચોખા જ નહિં પરંતુ ખાંડની નિકાસ પર પણ સરકારે કન્ટ્રોલ લાદવાની નિતી અપનાવવી પડી હતી. ચોખાની નિકાસ પર ડયુટી પણ લાદવી પડી હતી. ભારતથી નિકાસ કપાતના પગલે વિશ્વ વેપારને આશરે ૪ અબજ ડોલરનો ફટકો પડયો હોવાનું દરીયાપારના જાણકારોએ જણાવ્યું હતું. ભારતમાં સરકાર દ્વારા કરાતી ચોખાની ખરીદી (પ્રાપ્તી) આ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૧૩થી ૧૪ ટકા જેટલી ઓછી થઈ છે. અનાજ બજારમાં ઘઉં- ચોખાની સપ્લાય વધારવા સરકાર ઓપન માર્કેટ વેંચાણ યોજના હેઠળ ઘઉં- ચોખાનું ઓકશન કરતી જોવા મળી છે. ગરીબ વર્ગને અપાતા અનાજની યોજના પણ સરકારે લંબાવી છે. અનાજ આયાતની પણ વિચારણા થતી સંભળાઈ છે. શેરડી તથા ખાંડનો ઈથેનોલ તરફ વળતો જથ્થો ઘટાડી ખાંડની ઉપલબ્ધતા વધારવા પણ સરકારે પ્રયત્નો શરૂ કર્યા હતા.
ચા બજારમાં એક બાજુ ઉત્પાદન ઘટયું સામે નિકાસ પણ ઘટી
દેશમાં ચા બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે ૨૦૨૩ના વિદાય લેતા વર્ષમાં મિશ્ર પ્રવાહો વચ્ચે સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાનના ગાળામાં દેશમાં ચાનું ઉત્પાદન આશરે ૨૦૦ લાખ કિલો ઘટી ૯૮૦૨થી ૯૮૦૩ લાખ કિલો આસપાસ થયાનું ચા બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૨માં આખા વર્ષમાં ગણીએ તો દેશમાં ચાનું કુલ ઉત્પાદન આશરે ૧૩૬૬૩થી ૧૩૬૬૪ લાખ કિલો જેટલું નોંધાયું હતું. આ વર્ષે ૨૦૨૩ના આખા વર્ષમાં ચાનું ઉત્પાદન પાછલા વર્ષ કરતાં ઓછં થવાનો અંદાજ બજારના જાણકારો બતાવતા હતા. જો કે ઓકટોબર મહિનામાં દેશમાં ચાના ઉત્પાદનમાં આશરે ૧૨ ટકાની વૃદ્ધી જોવા મળી હોવાના નિર્દેશો મળ્યા હતા. આ વર્ષે ઓકટોબરમાં ઉત્પાદન ૧૮૨૮થી ૧૮૨૯ લાખ કિલો થયું છે જે ગયા વર્ષે ઓકટોબરમાં ૧૬૩૧થી ૧૬૩૨ લાખ કિલો થયું હતું. દેેશમાં ઓકટોબરમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ તથા આસામમાં ચાનું ઉત્પાદન વધ્યું હતું.
દરમિયાન, દેશમાંથી ચાની નિકાસમાં પણ પીછેહટ થયાના સંકેતો મળ્યા છે. ૨૦૨૩ના વર્ષમાં આવી નિકાસ ૨૦૨૨ની સરખામણીએ આશરે દસ ટકા જેટલી ઘટવાનો અંદાજ વહેતો થયો છે. આ વર્ષે ભારતથી ખાસ કરીને ઈરાન તરફ ચાની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયાના સંકેતો મળ્યા હતા. ગયા વર્ષે ૨૦૨૨માં ભારત ખાતેથી ચાની વાર્ષિક નિકાસ આશરે ૨૩૧૦થી ૨૩૧૧ લાખ કિલો આસપાસ થઈ હતી.
બોન્ડ મારફત ભારતીય કંપનીઓએ રૂપિયા ૮.૮૩ લાખ કરોડ વિક્રમી રકમ ઊભી કરી
બજારમાં લિક્વિડિટીની ખેંચને ધ્યાનમાં રાખી ભારતીય કંપનીઓ બોન્ડ બજાર તરફ વળતા રુપી બોન્ડ બજાર મારફત ૨૦૨૩ના વર્ષમાં કંપનીઓ દ્વારા વિક્રમી રકમ ઊભી કરાઈ છે. મોટા કદના ભરણાંને કારણે બોરોઈંગ આંક ઊંચે ગયાનું જોવા મળ્યું છે. ૨૦૨૩માં ભારતીય કંપનીઓએ નવેમ્બરના અંત સુધીમાં બોન્ડસના ભરણાં મારફત રૂપિયા ૮.૮૩ ટ્રિલિયન (લાખ કરોડ) ઊભા કરી લીધા હતા જે કોઈ એક કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીની સૌથી વધુ રકમ છે. નવેમ્બરની વાત કરીએ તો કંપનીઓએ બોન્ડસ મારફત ૯૧૪ અબજ રૂપિયા ઊભા કર્યા હતા. ભવિષ્યમાં વ્યાજ દર વધવાની ચિંતાએ મોટા બોરોઅરો હાલના દરે બોન્ડસ જારી કરવાનું મુનાસિબ માની રહ્યા છે.
રૂપિયા ૪.૫૦ ટ્રિલિયન સાથે રહેઠાણ વેચાણનો નોંધપાત્ર ઊંચો આંક
વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં દેશમાં અંદાજે રૂપિયા ૪.૫૦ લાખ કરોડ (ટ્રિલિયન)ના રહેઠાણનું વેચાણ પાર પડી ગયાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં દેશના ટોચના સાત શહેરોમાં કુલ રૂપિયા ૩,૪૮,૭૭૬ કરોડના રહેઠાણના વેચાણ પાર પડયા છે જે ગયા સંપૂર્ણ વર્ષમાં વેચાયેલા કુલ રૂપિયા ૩,૨૬,૮૭૭ કરોડના આંક કરતા સાત ટકા વધુ છે. ૨૦૨૨ની સરખામણી ૨૦૨૩ના અંતે રહેઠાણનો વેચાણ આંક ૩૮ ટકા ઊંચો રહેવાની ધારણાં છે. દેશમાં દર ત્રિમાસિકમાં રહેઠાણ વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્તમાન વર્ષના રહેઠાણના વેચાણ આંક દેશમાં રહેઠાણ માગ વધી રહ્યાના સંકેત આપે છે. મૂલ્યની દ્રષ્ટિએ રહેઠાણ વેચાણનો આંક ઊંચો જોવા મળવા પાછળનું એક કારણ શહેરી વિસ્તારોમાં રહેઠાણોની વેચાણ કિંમતમાં ૧૮ ટકા સુધી થયેલો વધારો છે.
૧૭૦ SME આઈપીઓ થકી રેકોર્ડ રૂ.૪૪૦૦ કરોડની મૂડી એકત્ર કરાઈ
કેલેન્ડર વર્ષ સેકન્ડરી માર્કેટની વિક્રમી તેજી સાથે પ્રાઈમરી માર્કેટની ઐતિહાસિક તેજીનું પૂરવાર થયું છે. મેઈનબોર્ડના આઈપીઓમાં એક તરફ ટાટા ટેકનોલોજીસ સહિતના આઈપીઓ આકર્ષણનું કેન્દ્ર બની કંપનીઓએ જંગી ભંડોળ એક્ત્ર તો કર્યું છે. પરંતુ ખાસ વર્ષ ૨૦૨૩ એસએમઈ આઈપીઓનું વિક્રમી વર્ષ નીવડયું છે.વર્ષ ૨૦૨૩માં એનએસઈ ઈમર્જ અને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર મળીને રેકોર્ડ સંખ્યામાં ૧૭૦ કંપનીઓએ પોતાના ભરણા-આઈપીઓ લાવીને સરેરાશ રૂ.૨૫.૬ કરોડ સાથે કુલ રૂ.૪,૪૦૦ કરોડથી વધુ મૂડી રોકાણકારો પાસેથી એકત્ર કરી છે. જે વર્ષ ૨૦૨૨માં ૧૦૯ એસએમઈ આઈપીઓ થકી રૂ.૧૮૭૫ કરોડ એકત્ર થયા હતા. વર્ષ ૨૦૧૮ના રૂ.૨૨૮૭ કરોડના રેકોર્ડની તુલનાએ પણ વર્ષ ૨૦૨૩માં બમણાથી વધુ અને છેલ્લા ચાર વર્ષમાં એકત્ર કરાયેલા ફંડથી પણ વધુ મૂડી એસએમઈ આઈપીઓ થકી એકત્ર કરાઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં શેર બજારોના મેઈનબોર્ડ પરના આઈપીઓ થકી કંપનીઓએ એકત્ર કરેલા રૂ.૪૫૦૦૦ કરોડના ફંડના ૧૦માં ભાગની મૂડી એસએમઈ આઈપીઓ થકી એકત્ર કરાઈ છે.
નોટબંધી વખતે લવાયેલી રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચાઈ
૨૦૧૬માં નોટબંધીના કાળમાં લવાયેલી રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટસ પાછી ખેંચવાની રિઝર્વે બેન્કે ૨૦૨૩માં જાહેરાત કરી હતી. આમાંથી રૂપિયા ૨૦૦૦ની અંદાજે ૯૮ ટકા ચલણી નોટસ બેન્કિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે. વર્તમાન વર્ષના મેમાં રિઝર્વ બેન્કે રૂપિયા ૨૦૦૦ની નોટસ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. વર્તમાન વર્ષના ૧૯મી મેના રિઝર્વ બેન્કે રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી ત્યારે અંદાજે રૂપિયા ૩.૫૬ લાખ કરોડ મૂલ્યની ૨૦૦૦ની નોટસ સર્ક્યુલેશનમાં હતી.
વિકાસશીલ એશિયા ૨૦૨૩નો અંત ઉજ્જવળ નોંધ સાથે
એશિયન ડેવલપમેન્ટ બેંકે જણાવ્યું હતું કે વિકાસશીલ એશિયામાં વર્ષ ૨૦૨૩નો અંત વધુ ઉજ્જવળ નોંધ સાથે થશે. મુખ્યત્વે ચીનની અર્થવ્યવસ્થામાં પુનઃપ્રાપ્તિને કારણે આ પ્રદેશમાં વૃદ્ધિ અગાઉની ધારણા કરતાં વધુ મજબૂત રહેવાની ધારણા છે. છઘમ્એ એશિયાના વિકાસ માટે ૨૦૨૩માં તેની વૃદ્ધિની આગાહીને સપ્ટેમ્બરમાં અંદાજિત ૪.૭% થી વધારીને ૪.૯% કરી હતી, પરંતુ આગામી વર્ષે આ ક્ષેત્ર માટે તેનો વિકાસ અંદાજ ૪.૮% રાખ્યો હતો. છઘમ્એ ચીન માટેના તેના વૃદ્ધિ અંદાજને અગાઉના ૪.૯% થી વધારીને ૫.૨% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ, મજબૂત રેમિટન્સ, પુનઃપ્રાપ્ત પર્યટન આ પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિને મજબૂત બનાવે છે, જેમાં એશિયા-પેસિફિકમાં ૪૬ અર્થતંત્રોનો સમાવેશ થાય છે જો કે તેમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થતો નથી. પેટા-પ્રદેશો માટેનું આઉટલુક મિશ્ર હતું, પૂર્વ એશિયામાં સપ્ટેમ્બરમાં છઘમ્ની ૪.૪%ની આગાહી સામે આ વર્ષે ૪.૭%ની ઝડપે વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે દક્ષિણપૂર્વ એશિયામાં ૪.૬%ની અગાઉની આગાહી કરતાં ધીમી વૃદ્ધિ ૪.૩% થવાની ધારણા હતી.
ભારતની પોતાની ડિજિટલ કરન્સી
આરબીઆઈએ ઈ-રૂપી (આરબીઆઈ દ્વારા જારી કરાયેલ વર્ચ્યુઅલ ચલણ) રજૂ કર્યું છે. ડિજિટલ ચૂકવણીના વિકસતા લેન્ડસ્કેપમાં, કેટલીક મહત્વપૂર્ણ ક્ષણો આપણે જે રીતે વ્યવહાર કરીએ છીએ તેને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. આવી જ એક ક્ષણ ૧૧ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ આવી, જ્યારે ભારતીય રિઝર્વ બેંકના માર્ગદર્શન હેઠળ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) રજૂ કર્યું. આ ઈનોવેશન ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી ફાસ્ટ ફોરવર્ડ - આરબીઆઈએ રિટેલ ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) માટે પ્રારંભિક પાયલોટ તબક્કો રજૂ કર્યો. આ વર્ષની શરૂઆતમાં, UPI ચેનલ દ્વારા CBDC વ્યવહારોને સક્ષમ કરવા માટે કેન્દ્રીય બેંકે સક્રિય પ્રયાસ કર્યો. આ આંતરસંચાલનક્ષમતા પરંપરાગત ચુકવણી પદ્ધતિઓની પરિચિત પ્રક્રિયાને પ્રતિબિંબિત કરતી, UPI QR કોડ દ્વારા સુવિધા આપવા માટે સેટ છે. આ સુવિધાએ ગ્રાહકોના CBDC વોલેટ્સ દ્વારા ડિજિટલ રૂપિયો ચૂકવણીઓ એકીકૃત રીતે સ્વીકારવા માટે UPI QR કોડ સ્કેન કરીને હાલમાં બેંક-ટુ-બેંક અથવા ક્રેડિટ-ટુ-બેંક UPI ચૂકવણી સ્વીકારતા વેપારીઓને સશક્તિકરણ પૂરું પાડયું છે.
૨૦૨૩માં સૌથી વધુ ફંડિંગ મેળવનાર સ્ટાર્ટ અપ્સ
વર્ષ ૨૦૨૩માં સ્ટાર્ટ અપ ફંડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ઘણા એવા સ્ટાર્ટ અપ્સ છે જે મોટું ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. ફિનટેક કંપની PhonePe આ યાદીમાં ટોચ પર છે. કંપનીએ આ વર્ષે ૧૨ બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે ૮૫૦ મિલિયન ડોલર એટલે કે રૂ. ૭૦૨૧ કરોડનું ભંડોળ મેળવ્યું છે. બીજા સ્થાને પીયૂષ બંસલની કંપની લેન્સકાર્ટનું નામ છે, જેને વર્ષ ૨૦૨૩માં ૬૦૦ મિલિયન ડોલર એટલે કે ૫૦૦૦ કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. ફિનટેક કંપની DMI ફાઇનાન્સ આ વર્ષે સૌથી વધુ ફંડ મેળવનારી ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ બની છે. વર્ષ ૨૦૨૩માં કંપનીએ ૪૦૦ મિલિયન ડોલર એટલે કે આ વર્ષે ૩૩૦૦ કરોડ રૂપિયાનું ફંડિંગ લીધું છે. ઓલા ઈલેક્ટ્રીકનું નામ ટોપ-૪ મોસ્ટ ફંડેડ સ્ટાર્ટ અપ્સની યાદીમાં છે. કંપનીને વર્ષ ૨૦૨૩માં ૩૮૫ મિલિયન ડોલર એટલે કે ૩૨૦૦ કરોડ રૂપિયા મળ્યા છે. AI સ્ટાર્ટ અપ કંપની Builder.ai ને આ વર્ષે લગભગ ૨૫૦ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૨,૦૮૪ કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું છે.