Good Bye 2023 | તેજીના સૂર સાથે સેન્સેક્સ 70, ચાંદી 70, સોનું 70 તરફ, અઠવાડિયે 70 કલાક કામ...
ભારતનું નામ આર્થિક ક્ષેત્રની દુનિયામાં ચમકવા લાગ્યું છે
Good bye 2023 | 2023ની વિદાય ટાણે પાછા વળીને જોઇએ તો 2023ના શરૂઆતના અંધકારને ચીરતો તેજીનો પ્રકાશ આવ્યો હતો અને તેના કારણે ભારતનું નામ આર્થિક ક્ષેત્રની દુનિયામાં ચમકવા લાગ્યું છે. વિદેશના રોકાણોએ ભારતના અનેક ક્ષેત્રોમાં નવો પ્રાણ પુર્યો છે. ઇલેકટ્રોનિક્સ, ઓટો મોબાઇલ્સ અને સેમિ કન્ડક્ટરના ઉત્પાદનના પ્રયાસોએ વૈશ્વિક તખ્તા પર ભારતના ડંકાના રણકારનો અવાજ વહેતો કર્યો હતો. વિશ્વના સમૃધ્ધ દેશો એમ માનતા હતાકે 2023માં ભારત મંદીમાં જકડાઇ જશે અને રશિયા-યુક્રેનનું યુધ્ધ ઓઇલના ભાવો એેવા ઉછાળશે કે જેમાં ભારતનું આર્થિક તંત્ર લપસી પડશે એવું આર્થિક નિષ્ણાતો કહેતા હતા. વિશ્વની રેટીંગ એજંસીઓ પણ ભારતનું આર્થિક ચિત્ર નેગેટીવ ચીતરતા હતા પરંતુ ભારતની સડસડાટ પ્રગતિથી દરેક અંજાઇ ગયા હતા.
ભારતની આર્થિક તેજી જોઇને વિશ્વની નામાંકીત રેટીંગ એજંસીઓએ ભારતને પોઝિટીવ દર્શાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે વૈશ્વિક આર્થિક ઉથલ પાથલોની અસર ભારત પર પોઝિટીવ રીતે પડી હતી. વૈશ્વિક અસરોના કારણે ભારત મંદીમાં સરકી પડે એવી સ્થિતિમાં હતું પરંતુ સ્થાનીક સ્તરે લેવાયેલા કેટલાક પગલાંએ ચમત્કારીક પરિણામો આપ્યા હતા. નવી પ્રોડક્શન લીન્ક્ડ ઇન્સેન્ટીવ (PIL), વોકલ ફોર લોકલ અને ઇન્ડિયન સેમિ કન્ડક્ટર મીશને (ISCM) ઉત્પાદન ક્ષેત્રે નવી તકો ઉભી કરી હતી.
ભારતની આર્થિક તાકાત પર બ્રેક મારવાના પ્રયાસ કરતાં ચીનને પણ 2023માં પીછેહઠ કરવી પડી હતી. ચીનમાંથી રોકાણકારોએ નાણા પાછા ખેંચતા તેનો સીધો લાભ ભારતને થયો હતો. ભારતે વિશ્વના રોકાણકારો માટે લાલજાજમ બિછાવી હતી. જેના કારણે ભારતમાં વિદેશી રોકાણ 60 અબજ ડોલરને વટાવી ગયું છે. 2024ના લોકસભાના જંગને નજરમાં રાખીને સરકારે રોજગારી વધારવા લીધેલા પગલાં અને મેક ઇન ઇન્ડિયા જેવા પગલાંથી ઉત્પાદકો આકર્ષાયા હતા. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો કથળતા એપલ જેવી નામાંકીત કંપની ભારત તરફ વળી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે સેમિકન્ડક્ટર જેવા મહત્વના મટીરીયલની અછત ઉભી થઇ હતી તેના કારણે ભારતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં સફળતા મેળવી હતી તે તો ઠીક પણ ભારતમાંજ તેનું ઉત્પાદન થાય તેવા સફળ પ્રયાસો કર્યા હતા. ભારત હવે સેમિ કન્ડક્ટર બનાવવાના હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારત આત્મનિર્ભર બનવા ચિપીયો પછાડે છે તેમજ તે માટે મહત્વના રો મટીરીયલ સ્થાનિક સ્તરે બનાવવા પ્રોત્સાહનની સ્કીમો પણ તૈયાર કરી રહ્યું છે. જનરેટીવ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) ક્ષેત્રે ઓપન એઆઇનું ચેટ જીપીટી અને ગુગલના બાર્ડને ટકરાઇ શકે એવું ભારતનું કૃત્રિમ ૨૦૨૩ના અંતમાં આવ્યું હતું જે 2024માં મહત્વનું બની રહેશે. 2023 દરમ્યાન ભારતના શેરબજાર, સોના ચાંદીના ભાવો વગેરે માં સતત ઉછાળો જોવા મળ્યો હતો.