Good Bye 2023 : સેન્સેક્સમાં રચાયેલો ઈતિહાસ, વિક્રમોની વણઝાર તમામ રોકાણકારોને રહેશે 2023 યાદ

સેન્સેક્સ૭૧૯૧૩, નિફટી ૨૧૫૯૩નો ઈતિહાસ રચાયો : અનેક વિક્રમો સર્જાયા

નવા વર્ષના આગમન પહેલા રોકાણકારોની સંપતિમાં રૂ.77,00,000 કરોડનો વિક્રમી વધારો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : સેન્સેક્સમાં રચાયેલો ઈતિહાસ, વિક્રમોની વણઝાર તમામ રોકાણકારોને રહેશે 2023 યાદ 1 - image

વિશ્વ જ્યારે અનિશ્ચિતતાના કાળમાંથી પસાર થઈ રહ્યું હતું, અને વર્ષ ૨૦૨૩ અનેક આર્થિક, જીઓપોલિટીકલ પડકારો સાથે વિદાય લઈ રહ્યું છે, ત્યારે ભારતીય રોકાણકારો માટે આ વર્ષ અનેક વિક્રમો સાથે અઢળક ઐતિહાસિક ઊંચું  વળતર આપનારું નીવડયું છે. શેરોમાં એક તરફ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર સાથે કંપનીઓએ અબજો રૂપિયા એકત્ર કર્યા છે, ત્યારે બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને અંતે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના જંગી મૂડી પ્રવાહના જોરે નવા ઈતિહાસ રચાયા છે. સેન્સેક્સે ૭૧૯૧૩.૦૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સે ૨૧૫૯૩નો નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો છે.

ભારતીય શેર બજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં શેરધારક-રોકાણકારોની સંપતિમાં વર્ષ ૨૦૨૩માં રૂ.૭૭ લાખ કરોડ જેટલું વિક્રમી સંપતિ સર્જન થયું છે. એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે ૩૦, ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રૂ.૨૮૨.૩૮ લાખ કરોડનું હતું, એ બજારની ઐતિહાસિક ટોચ સાથે એક વર્ષમાં રૂ.૭૬.૭૩ લાખ કરોડના વિક્રમી વધારા સાથે રૂ.૩૫૯.૧૧ લાખ કરોડની નવી ઊંચાઈને  આંબી ગયું છે.

વર્ષ ૨૦૨૩માં સેન્સેક્સ ૧૮.૧૯ ટકા એટલે કે ૧૧૦૭૨.૩૩ પોઈન્ટનો ઉછાળો આપીને ૭૧૯૧૩.૦૭ની સર્વાધિક ઐતિહાસિક નવી ઊંચાઈનો વિક્રમ સર્જયો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સે પણ ૧૯.૨૬ ટકા એટલે કે ૩૪૮૭.૭૦ પોઈન્ટનો ઉછાળો આપીને ૨૧૫૯૩નો નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ ૨૦૨૩માં રોકાણકારોના સૌથી આકર્ષણનું કેન્દ્ર સ્મોલ, મિડ કેપ શેરો રહ્યા છે. લોકલ ફંડો, રીટેલ ઈન્વેસ્ટરોને અઢળક વળતર આપી ગયેલા આ સ્મોલ, મિડ કેપ શેરોમાં ઐતિહાસિક વિક્રમી તેજી જોવાઈ છે. વર્ષ ૨૦૨૩માં રોકાણકારોને અત્યંત ઊંચુ વળતર અપાવી ગયેલા મિડ કેપ શેરોના પરિણામે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ જે ૩૦, ડિસેમ્બર ૨૦૨૨ના ૨૫૩૧૪.૫૦ની સપાટીએ હતો, એ ૪૪.૧૧ ટકા એટલે કે ૧૧૧૬૮.૬૬ પોઈન્ટ ઉછળીને ૨૦, ડિસેમ્બર ૨૦૨૩ના ૩૬૪૮૩.૧૬ની નવી વિક્રમી ઊંચાઈ બનાવી છે. જ્યારે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪૭.૪૪ ટકા એટલે કે ૧૩૭૨૨.૦૭ પોઈન્ટનો સર્વાધિક ઉછાળો આપીને ૨૦, ડિસેમ્બર ૨૦૨૩ના ૪૨૬૪૮.૮૬નો નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો છે.

ડોલર સામે રૂપિયામાં રૂ.૮૩.૪૦નું નવુ તળીયું 

દેશના કરન્સી બજારમાં વિતેલા વર્ષ ૨૦૨૩માં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. ખાસ કરીને રૂપિયા તથા ડોલરના વિનિમય દરોમાં નોંધપાત્ર વધઘટ દેખાતાં એક તબક્કે ડોલર સામે રૂપિયાના ભાવ તૂટી નવા નીચા તળીયે ઉતરી ગયા હતા એવું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં વર્ષ દરમિયાન રૂપિયા સામે ડોલરના ભાવ નીચામાં ૮૧.૧૧થી ૮૧.૧૨ સુધી જોવા મળ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩ પાર કરી રૂ.૮૩.૪૦ સુધી પહોંચતા રૂપિયામાં નવી નીચી સપાટી દેખાઈ હતી. વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચો જતાં તેની અસર ઘરઆંગણાના કરન્સી બજાર પર જોવા મળી હતી. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વર્ષ દરમિયાન નીચામાં એક તબક્કે ૧૦૦ની સપાટીની અંદર ઉતરી ૯૯.૭૮થી ૯૯.૭૯ સુધી જતો રહ્યો હતો પરંતુ ત્યારબાદ આ ગ્લોબલ ડોલર ઈન્ડેક્સ ફરી ઉછળી ઉંચામાં ૧૦૭ની સપાટી વટાવી ૧૦૭.૦૯થી ૧૦૭.૦૯ સુધી પહોંચી જતાં દેશના કરન્સી બજારોમાં તેના પગલે રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું. જોકે માત્ર ભારતનો રૂપિયો જ નહિં પરંતુ વૈશ્વિક સ્તરે એશીયાની બધી  કરન્સીઓ ડોલર સામે નીચી ઉતરતી વર્ષ દરમિયાન જોવા મળી હતી. વર્ષના અંત ભાગમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૨થી ૧૦૩ની વચ્ચે અથડાતો જોવા મળ્યો છે.અમેરિકામાં ૨૦૨૩ના વર્ષમાં ફુગાવાને કન્ટ્રોલમાં રાખવા ફેડરલ રિઝર્વ દ્વારા તબક્કાવાર વ્યાજના દરમાં વૃધ્ધિ કરાતી રહી હતી અને તેના પગલે વિશ્વબજારમાં ડોલરના ભાવમાં મજબુતાઈ જોવા મળી હતી. જોકે તાજેતરમાં અમેરિકામાં ફુગાવો કન્ટ્રોલમાં આવતાં અમેરિકામાં વ્યાજ દરમાં વૃધ્ધિના ચક્રને બ્રેક વાગી હતી તથા આગળ ઉપર ત્યાં નવા વર્ષમાં વ્યાજના દર હવે વધવાના બદલે ઘટાડા તરફી રહેવાની શક્યતા ચર્ચાતી થઈ છે તથા આના પગલે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આગામી મહિનાઓમાં દબાણ હેઠળ રહેશે એવી ગણતરી બજારના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. આમ થશે તો ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ફરી ઉંચકાશે એવી આશા નવા વર્ષ માટે બતાવાતી થઈ છે. દરમિયાન ઘરઆંગણે કરન્સી બજારમાં રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી વિવિધ સરકારી બેન્કો દ્વારા વધ્યા મથાળે ડોલરનું વેંચાણ વધારવામાં આવ્યાની ચર્ચા પણ સંભળાઈ હતી. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે પણ આ વાત પ્રત્યે લક્ષ દોર્યું હતું. આઈએમએફના જણાવ્યા મુજબ જો ભારતની સરકારી બેન્કો દ્વારા બજારમાં દરમિયાનગીરી કરવામાં ન આવી હોત તો કદાચ ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધુ જોવા મળે તે એવી શક્યતા હતી.

પ્રાઈમરી માર્કેટમાં રેકોર્ડ : ૬૦ IPOમાં ઈસ્યુ સાઈઝ કરતાં ૨૬૬૦ ટકા વધુ જંગી રોકાણ

કેલેન્ડર વર્ષ સેકન્ડરી માર્કેટમાં ઐતિહાસિક તેજીનું નીવડયા સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીનું બન્યું છે. શેર બજારોના મેઈનબોર્ડ પર કંપનીઓ દ્વારા આઈપીઓ થકી નાણા ઊભા કરવામાં વર્ષ ૨૦૨૨ની તુલનામાં રકમમાં થોડી ઓટ જરૂર જોવાઈ છે, પરંતુ સંખ્યાની રીતે વધુ કંપનીઓ  મૂડીબજારમાં આઈપીઓ લઈને આવી છે.વર્ષ ૨૦૨૩માં પ્રાઈમરી માર્કેટમાં આ ૬૦ આઈપીઓ થકી કુલ રૂ.૫૩૦૧૬.૧૮ કરોડ એકત્ર કરાયા છે, પરંતુ આ આઈપીઓમાં મળીને ભરણા માટે અધધ... રૂ.૧૪,૬૩,૩૭૧ કરોડની ડિમાન્ડ એટલે કે રોકાણકારોનો આટલો જંગી રોકાણ પ્રતિસાદ સાંપડયો હતો. એટલે કે રૂ.૫૩૦૧૬.૧૮ કરોડના આ ૬૦ આઈપીઓની સાઈઝ સામે  ૨૬૬૦ ટકા વધુ જંગી રોકાણ પ્રતિસાદ સાંપડયો છે. ૬૦ આઈપીઓની રૂ.૫૩૦૧૬ કરોડની કુલ સાઈઝ સામે રોકાણકારોએ ૨૬૬૦ ટકા વધુ રૂ.૧૪,૬૩,૩૭૧ કરોડના રોકાણનો પ્રતિસાદ આપ્યો

કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં ૬૦ કંપનીઓ આઈપીઓ લઈને મૂડી બજારમાં આવી છે. જયારે વર્ષ ૨૦૨૨માં ૪૦ કંપનીઓ આઈપીઓ લઈને આવી હતી. આમ સંખ્યાની રીતે આઈપીઓ વધુ આવ્યા છે, પરંતુ ફંડ ઊભું કરવાનો આંક ઘટીને રૂ.૫૩૦૧૬ કરોડ નોંધાયો છે. 


Google NewsGoogle News