Good Bye 2023 : ચીનને ફટકો પડતા ભારતની સડસડાટ તેજી, શેરબજાર-સોના-ચાંદીમાં પણ ઉછાળો

ભારતની આર્થિક તાકાત પર બ્રેક મારવાના પ્રયાસ કરતાં ચીનને પણ ૨૦૨૩માં પીછેહઠ કરવી પડી

૨૦૨૩ દરમ્યાન ભારતના શેરબજાર, સોના ચાંદીના ભાવો વગેરેમાં સતત ઉછાળો જોવા મળ્યો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : ચીનને ફટકો પડતા ભારતની સડસડાટ તેજી, શેરબજાર-સોના-ચાંદીમાં પણ ઉછાળો 1 - image

૨૦૨૩ ની વિદાય ટાણે પાછા વળીને જોઇએ તો ૨૦૨૩ના શરૂઆતના અંધકારને ચીરતો તેજીનો પ્રકાશ આવ્યો હતો અને તેના કારણે ભારતનું નામ આર્થિક ક્ષેત્રની દુનિયામાં ચમકવા લાગ્યું છે. વિદેશના રોકાણોએ ભારતના અનેક ક્ષેત્રોમાં નવો પ્રાણ પુર્યો છે. ઇલેકટ્રોનિક્સ, ઓટો મોબાઇલ્સ અને સેમિ કન્ડક્ટરના ઉત્પાદનના પ્રયાસોએ વૈશ્વિક તખ્તા પર ભારતના ડંકાના રણકારનો અવાજ વહેતો કર્યો હતો. વિશ્વના સમૃધ્ધ દેશો એમ માનતા હતા કે, ૨૦૨૩માં ભારત મંદીમાં જકડાઇ જશે અને રશિયા-યુક્રેનનું યુધ્ધ ઓઇલના ભાવો એેવા ઉછાળશે કે જેમાં ભારતનું આર્થિક તંત્ર લપસી પડશે એવું આર્થિક નિષ્ણાતો કહેતા હતા.

ભારતની સડસડાટ પ્રગતિથી દરેક અંજાઇ ગયા

વિશ્વની રેટીંગ એજંસીઓ પણ ભારતનું આર્થિક ચિત્ર નેગેટીવ ચીતરતા હતા પરંતુ ભારતની સડસડાટ પ્રગતિથી દરેક અંજાઇ ગયા હતા. ભારતની આર્થિક તેજી જોઇને વિશ્વની નામાંકીત રેટીંગ એજંસીઓએ ભારતને પોઝિટીવ દર્શાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે વૈશ્વિક આર્થિક ઉથલ પાથલોની અસર ભારત પર પોઝિટીવ રીતે પડી હતી. વૈશ્વિક અસરોના કારણે ભારત મંદીમાં સરકી પડે એવી સ્થિતિમાં હતું પરંતુ સ્થાનીક સ્તરે લેવાયેલા કેટલાક પગલાંએ ચમત્કારીક પરિણામો આપ્યા હતા. નવી પ્રોડક્શન લીન્ક્ડ ઇન્સેન્ટીવ (PIL), વોકલ ફોર લોકલ અને ઇન્ડિયન સેમિ કન્ડક્ટર મીશને (ISCM) ઉત્પાદન ક્ષેત્રે નવી તકો ઉભી કરી હતી. ભારતની આર્થિક તાકાત પર બ્રેક મારવાના પ્રયાસ કરતાં ચીનને પણ ૨૦૨૩માં પીછેહઠ કરવી પડી હતી. ચીનમાંથી રોકાણકારોએ નાણા પાછા ખેંચતા તેનો સીધો લાભ ભારતને થયો હતો.

ભારતે વિશ્વના રોકાણકારો માટે લાલજાજમ બિછાવી

ભારતે વિશ્વના રોકાણકારો માટે લાલજાજમ બિછાવી હતી. જેના કારણે ભારતમાં વિદેશી રોકાણ ૬૦ અબજ ડોલરને વટાવી ગયું છે. ૨૦૨૪ના લોકસભાના જંગને નજરમાં રાખીને સરકારે રોજગારી વધારવા લીધેલા પગલાં અને મેક ઇન ઇન્ડિયા જેવા પગલાંથી ઉત્પાદકો આકર્ષાયા હતા. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો કથળતા એપલ જેવી નામાંકીત કંપની ભારત તરફ વળી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે સેમિકન્ડક્ટર જેવા મહત્વના મટીરીયલની અછત ઉભી થઇ હતી તેના કારણે ભારતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં સફળતા મેળવી હતી તે તો ઠીક પણ ભારતમાં જ તેનું ઉત્પાદન થાય તેવા સફળ પ્રયાસો કર્યા હતા. ભારત હવે સેમિ કન્ડક્ટર બનાવવાના હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારત આત્મનિર્ભર બનવા ચિપીયો પછાડે છે તેમજ તે માટે મહત્વના રો મટીરીયલ સ્થાનિક સ્તરે બનાવવા પ્રોત્સાહનની સ્કીમો પણ તૈયાર કરી રહ્યું છે. જનરેટીવ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) ક્ષેત્રે ઓપન એઆઇનું ચેટ જીપીટી અને ગુગલના બાર્ડને ટકરાઇ શકે એવું ભારતનું કૃત્રિમ ૨૦૨૩ના અંતમાં આવ્યું હતું જે ૨૦૨૪માં મહત્વનું બની રહેશે. ૨૦૨૩ દરમ્યાન ભારતના શેરબજાર, સોના ચાંદીના ભાવો વગેરેમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો.

સોનામાં વિક્રમી ચળકાટ વચ્ચે રૂ. ૬૫,૦૦૦ નો રેકોર્ડ

દેશમાં તથા દરીયાપારના બજારોમાં વિદાય લેતા વર્ષમાં સોનાના ભાવ વધઘટે એકંદરે ઉંચા જતા જોવા મળ્યા હતા તથા નવી ટોચ ભાવમાં દેખાતી થઈ છે. વર્ષના આરંભમાં ૨થી ૩ મહિના તેજીના રહ્યા પછી ૩થી ૪ મહિના ભાવમાં પ્રત્યાઘાતી પીછેહટ જોવા મળી હતી અને ત્યારબાદ ખાસ કરીને વર્ષના ઉત્તરાધમાં ભાવ ઉંચા જવાનો આરંભ થયો હતો અને વર્ષના અંત સુધી બજાર એકંદરે ઉંચે જતી જોવા મળી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ એક તબક્કે ઉંચામાં ૨૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. તાજેતરમાં વૈશ્વિક ભાવ ઔંશના ૨૦૩૫થી ૨૦૪૦ ડોલર આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ વર્ષે સોનાના ભાવ એકંદરે ૧૧થી ૧૨ ટકા જેટલા ઉંચા ગયા છે. ૨૦૨૪ના નવા  વર્ષમાં પણ સોનાના ભાવ વધઘટે ઉંચા જતા જોવા મળશે એવી શક્યતા વૈશ્વિક તજજ્ઞો બતાવી રહ્યા હતા.

ઘરઆંગણાના ઝવેરીબજારોમાં જીએસટી સાથેના સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ. ૬૫૦૦૦ સુધી જોવા મળ્યા હતા. નવા વર્ષમાં વૈશ્વિક ભાવ ઉંચામાં ઔંશદીઠ ૨૧૦૦ ડોલરની ઉપર ૨૨૦૦ ડોલર થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. અમુક ઉત્સાહી એનાલીસ્ટો તો ૨૩૦૦થી ૨૪૦૦ ડોલરના ભાવની આગાહી પણ કરતા જોવા મળ્યા છે. ઘરઆંગણે સોનાના ભાવમાં આગળ ઉપર તેજીવાળાઓની નજર રૂ.૭૦ હજારના ભાવ પર મંડાઈ છે. વિશ્વબજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ અમેરિકામાં ૨૦૨૩ના વર્ષમાં વ્યાજના દર ઉંચા જતા જોવા મળ્યા પછી હવે ૨૦૨૪માં ત્યાં વ્યાજના દરમાં વૃધ્ધિના ચક્રને બ્રેક વાગવાની તથા વ્યાજના દર ઉંચા મથાળેથી ઘટાડા તરફી થવાની ગણતરી વિશ્વબજારમાં બતાવાતી થઈ છે. આના પગલે હવે પછી વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચે ઉતરવાની તથા સોનાના ભાવ ઉંચે જવાની ગણતરી અર્થશાસ્ત્રીઓ માંડી રહ્યા છે.

વૈશ્વિક ડોલર ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતું હોય છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઘટાડા પર રહેતાં તેના પગલે અમેરિકામાં ફુગાવો કન્ટ્રોલમાં આવતાં ત્યાં વ્યાજમાં આગળ ઉપર ઘટાડાનો સંકેત ફેડરલ રિઝર્વના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં અપાયો છે. વિશ્વબજારમાં અમેરિકાના બોન્ડની યીલ્ડ પણ વધ્યા પછી નીચી ઉતરતાં સોનાના ભાવમાં તેજી માટે બજારને નવું કારણ મળ્યું છે. દરમિયાન, વિશ્વના મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૩માં સોનાની વ્યાપક ખરીદી કર્યાના વાવડ મળ્યા હતા તથા એક અંદાજ મુજબ સેન્ટ્રલ બેન્કોની આવી કુલ ખરીદી વૈશ્વિક સ્તરે આખા વર્ષમાં આશરે ૧૦૦૦ ટનની સપાટીને પાર કરી ગઈ છે. ૨૦૨૨ના પાછલા વર્ષમાં પણ સેન્ટ્રલ બેન્કોએ સોનાની નોંધપાત્ર ખરીદી કરી હતી અને આ વર્ષે પણ આવી ખરીદીનો પ્રવાહ ચાલુ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. 


Google NewsGoogle News