Get The App

Good Bye 2023 : આખા વર્ષમાં ફળદાયી નીવડેલું બિટકોઈન 2024 પણ કરાવશે જલસા

2024માં બિટકોઈન ઓલટાઈમ હાઈ નજીક પહોંચવા ધારણાં

જીએસટી કલેકશનની દ્રષ્ટિએ ૨૦૨૩નું વર્ષ પ્રોત્સાહક રહ્યું

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : આખા વર્ષમાં ફળદાયી નીવડેલું બિટકોઈન 2024 પણ કરાવશે જલસા 1 - image


એપ્રિલમાં જીએસટી કલેક્શન ઓલ ટાઈમ હાઈ નોંધાયું

૨૦૧૭માં જ્યારથી દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પદ્ધતિ લાગુ થઈ છે ત્યારથી ૨૦૨૩નું વર્ષ જીએસટી વસૂલીની દ્રષ્ટિએ નાણાં મંત્રાલય માટે પ્રોત્સાહક રહ્યું છે. સમાપ્ત થઈ રહેલા વર્ષના એપ્રિલમાં કેન્દ્રની જીએસટી મારફતની આવક રૂપિયા ૧,૮૭,૦૩૫ કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી. આજ વર્ષના ઓકટોબરમાં જીએસટી વસૂલી રૂપિયા ૧,૭૨,૦૦૩ કરોડ રહી હતી જે અત્યારસુધીનો બીજો મોટો આંક છે. ૨૦૨૩ના પ્રથમ  આઠ મહિનામાં જીએસટીની માસિક સરેરાશ વસૂલી રૂપિયા ૧.૬૬ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૧ ટકા વધુ છે. જીએસટી મારફતની આવકમાં વધારો કેન્દ્ર માટે મોટી રાહતરૂપ બની રહ્યો છે. ફુગાવામાં ઘટાડાને કારણે વર્તમાન વર્ષમાં ઉપભોગ માગમાં વધારો પણ જીએસટી વસૂલી ઊંચી રહેવાનું એક કારણ રહ્યું છે. 

ઉછાળેને પગલે એક જ વર્ષમાં બિટકોઈનમાં ૧૫૦ ટકાથી વધુ વળતર

ઊભરતી એસેટ કલાસ તરીકે જોવાતી મુખ્ય ક્રિપ્ટોકરન્સીઝ બિટકોઈને સમાપ્ત થઈ રહેલા ૨૦૨૩ના વર્ષમાં રોકાણકારોને ૧૫૦ ટકાથી  વધુ વળતર પૂરું પાડયું છે. અન્ય એસેટ  કલાસ જેમ કે સોનાચાંદી, ઈક્વિટીઝ અથવા ડોલરની સરખામણીએ બિટકોઈનમાં ઊંચુ વળતર મળી રહ્યું છે. ૨૦૨૩ના પ્રારંભમાં બિટકોઈનનો ભાવ ૧૬૧૨૫ ડોલર આસપાસ હતો તે આજે ૪૩૦૦૦ ડોલરની નજીક બોલાઈ રહ્યો છે. ૨૦૨૪ના વર્ષમાં બિટકોઈન તેની ૨૦૨૧ની ૬૯૦૦૦ ડોલરની ઓલટાઈમ હાઈ નજીક પહોંચવા ધારણાં રાખવામાં આવે છે. બિટકોઈન પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ, એકસઆરપીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સીઝના ખેલાડીઓ માટે ૨૦૨૨નું વર્ષ ખાનાખરાબીવાળું સાબિત થયું હતું. 

ફોરેકસ રિઝર્વ ફરી ૬૦૦ અબજ ડોલરની સપાટીને પાર

દેશનું ફોરેકસ રિઝર્વ વધી ફરી ૬૦૦ અબજ ડોલરની સપાટીને પાર કરી ગયું છે. દેશની બહારી નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા ફોરેકસ રિઝર્વનું વર્તમાન સ્તર સાનુકૂળ સ્થિતિમાં છે. ઓકટોબર, ૨૦૨૧માં દેશનું ફોરેકસ રિઝર્વ ૬૪૨ અબજ ડોલર સાથે અત્યાર સુધીનું ઊંચી સપાટીએ રહ્યું છે. ત્યારબાદ ડોલર સામે રૂપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે કરવી પડેલી દરમિયાનગીરીને કારણે ફોરેકસ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં વિદેશી ફન્ડોના ઈન્ફલોઝને પગલે ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૨૩ના પ્રારંભમાં ફોરેકસ રિઝર્વનું સ્તર ૫૬૦ અબજ ડોલર જેટલું હતું.

રેમિટેન્સ મારફત વૈશ્વિક સ્તરે ભારતે ૧૨૫ અબજ ડોલર વિક્રમી રકમ પ્રાપ્ત કરી

૨૦૨૩માં ૧૨૫ અબજ ડોલર સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનારો દેશ બની રહ્યો છે. દ્વીપક્ષી વેપાર માટે દીરહામ અને રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા યુએઈ સાથે ભારતના કરાર સહિતના વિવિધ પરિબળોને કારણે ભારતમાં સૌથી વધુ રેમિટેન્સ પ્રાપ્ત થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ૨૦૨૩માં રેમિટન્સની વૃદ્ધિ ૨૦૨૨ની સરખામણીએ નીચી રહીને ૧૨.૪૦ ટકા જોવાઈ રહી છે. ૨૦૨૨માં વૃદ્ધિ દર ૨૪.૪૦ ટકા રહ્યો હતો. દક્ષણિ એશિયા વિસ્તારમાં રેમિટેન્સમાં ભારતનો હિસ્સો વર્તમાન વર્ષમાં વધી ૬૬ ટકા જોવા મળ્યો છે, જે ૨૦૨૨માં ૬૩ ટકા હતો. ભારત રેમિટેન્સ મેળવવામાં ૬૭ અબજ ડોલર સાથે મેક્સિકો બીજા ક્રમે જ્યારે ૫૦ અબજ ડોલર સાથે ચીન ત્રીજા ક્રમે રહ્યું છે. 


Google NewsGoogle News