Get The App

Good Bye 2023 : દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્ર માટે પડકારજનક રહ્યું 2023નું વર્ષ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્ર માટે પડકારજનક રહ્યું 2023નું વર્ષ 1 - image

ચીન ખાતેથી સ્ટીલની આયાત વધી જતાં દેશ નેટ ઈમ્પોર્ટર બન્યો

દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે વિદાય લેતા વર્ષમાં વિવિધ પડકારો જોવા મળ્યા હતા. ખાસ કરીને ચીનમાંથી ભારત તરફ સ્ટીલની નિકાસ નોંધપાત્ર વધતાં સ્ટીલના સંદર્ભમાં ભારત નેટ નિકાસકાર દેશના બદલે નેટ આયાતકાર દેશ બની ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ચીનથી દેશમાં થતી વ્યાપક આયાતને કાબૂમાં રાખવા સરકાર પ્રયત્નશીલ જોવા મળી હતી. ભારતમાં ખાસ કરીને એપ્રિલથી નવેમ્બરના ગાળામાં સ્ટીલની આયાતમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી હતી તથા આ ગાળામાં દેશમાંથી થતી સ્ટીલની નિકાસમાં ખાસ્સી પીછેહટ થતાં દેશ સ્ટીલની આયાતમાં નેટ ઈમ્પોર્ટર દેશ બની ગયો હતો. 

દેશમાં એપ્રિલથી નવેમ્બરના આઠ મહિનાના ગાળામાં ફિનિશ્ડ સ્ટીલની આયાત વધી ૪૩ લાખ ટનના મથાળે પહોંચી હતી જ્યારે સામે આ ગાળામાં દેશમાંથી થતી સ્ટીલની નિકાસ ૪૦ લાખ ટન નોંધાતા નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધી ગયું હોવાનું સ્ટીલ ઉદ્યોગના તજજ્ઞાોએ જણાવ્યું હતું. દેશમાં ચીનથી સ્ટીલની આયાતમાં આશરે ૪૬થી ૪૭ ટકાની વૃધ્ધિ થઈ છે. ચીન ઉપરાંત ભારતમાં વિયેતનામ, કોરીયા તથા જાપાનથી પણ સ્ટીલની આયાત વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. નોન- પ્રાઈમની શ્રેણીમાં આવતા સ્ટીલ ઉત્પાદનનો આયાત વધતાં ક્વોલીટી કન્ટ્રોલના નિયમોનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. સસ્તા ભાવોએ આયાત વધી હતી. આવી આયાતને કન્ટ્રોલમાં લેવા બંદરો- પોર્ટ ખાતે ક્વોલીટી ટેસ્ટીંગ લેબ ઉભી કરવા સરકાર પ્રયત્નશીલ બની હતી. નવી મુંબઈ બંદરે આવી આયાત ૪૦ ટકા વધી ગઈ હતી. આયાત ઘટાડવા ટેરીફ કવોટાની વિચારણા પણ સરકારે શરૂ કર્યાના વાવડ મળ્યા હતા.

DIIની ખરીદી ઘટીને રૂ.૧,૬૨,૫૦૦ કરોડની થઈ

વર્ષ ૨૦૨૩માં ઐતિહાસિક તેજીમાં સિંહફાળો ઘર આંગણાના સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડોનો રહ્યો છે. પરંતુ વર્ષાંતના મહિનાઓમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભૂમિકા ફરી મહત્વની બની આ રોકાણકારોએ મોટી ખરીદી કરતાં તોફાની તેજીમાં સેન્સેક્સ ૭૨૦૦૦ની લગોલગ અને નિફટી ૨૧૬૦૦ નજીક વિક્રમી નવી ઊંચાઈએ પહોંચ્યા છે. એફપીઆઈઝ જે વર્ષ ૨૦૨૨માં શેરોમાં અને ડેટ સાધનો  ભારતમાં નેટ વેચવાલ રહી શેરોમાં રૂ.૧,૨૧,૪૩૯ કરોડની વેચવાલી અને ડેટ સાધનો, ઈક્વિટી, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆરમાં મળીને રૂ.૧,૩૨,૮૧૫ કરોડની નેટ વેચવાલી કરી હતી. એ એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં ભારતીય બજારોમાં શેરોમાં રૂ.૧,૬૨,૫૦૦ કરોડની ખરીદી થઈ છે. જ્યારે  ઈક્વિટી, ડેટ સાધનો, ડેટ-વીઆરઆર અને હાઈબ્રિડ સાધનોમાં મળીને ભારતીય બજારોમાં રૂ.૨,૨૯,૯૧૩ કરોડની કુલ ખરીદી થઈ છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં એફપીઆઈઝની શેરોમાં ચાર મહિના વેચવાલી જાન્યુઆરીમાં રૂ.૨૮,૮૫૨ કરોડ, ફેબુ્રઆરીમાં રૂ.૫૨૯૪ કરોડ, સપ્ટેમ્બરમાં રૂ.૧૪,૭૬૮ કરોડ, ઓકટોબરમાં રૂ.૨૪,૫૪૮ કરોડની રહ્યા સિવાયના આઠ મહિનામાં ચોખ્ખી ખરીદી થઈ છે. જેમાં સર્વાધિક ડિસેમ્બરમાં ૨૨ તારીખ સુધીમાં રૂ.૫૭૩૧૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ છે.

આ સામે  કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે ડોમેસ્ટિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો-ડીઆઈઆઈઝની ખરીદી ધીમી પડીને રૂ.૧,૭૦,૦૦૦ કરોડ જેટલી થઈ છે. જે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં રૂ.૨,૭૫,૭૨૫ કરોડની ખરીદી થઈ હતી.

કોફીનું ઉત્પાદન ઘટવા સામે વૈશ્વિક સ્તરે ઉત્પાદન વૃધ્ધિની આશા 

દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગ જગતમાં વિદાય લેતા ૨૦૨૩ના વર્ષમાં ખાસ્સા ઉતારચડાવ જોવા મળ્યા હતા. સરકાર હસ્તકના કોફી બોર્ડે ૨૦૨૩- ૨૪ના પાકનો અંદાજ ૬થી ૭ ટકા ઉંચો રજૂ કરી ઉત્પાદન ૩ લાખ ૭૪થી ૭૫ હજાર ટન થવાની શક્યતા બતાવી હતી ત્યારે કોફી બજારના જાણકારોના જણાવ્યા મુજબ હકીકતમાં ઉત્પાદનમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થવાની ભીતી વિશેષરૂપે પ્લાન્ટેશનના માલિકો બતાવી રહ્યા હતા. આ વર્ષે વરસાદ તથા હવામાનની સ્થિતિ કોફીના પાક માટે પ્રતિકુળ જણાઈ હતી. આમ છતાં કોફી બજારમાં ભાવ ઘટાડા તરફી રહેતાં વિદાય લેતું વર્ષ એકંદરે પડકારજન્ય રહ્યું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અરેબીકા કોફીના ૫૦ કિલોની ગુણીના ભાવ મે મહિનામાં  રૂ.૧૫૭૦૦ રહ્યા હતા તે ત્યારબાદ ઘટતા રહી તાજેતરમાં રૂ.૧૧૨૦૦ આસપાસ બોલાતા થયા હતા. દરમિયાન, ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ૨૦૨૩- ૨૪ની મોસમમાં કોફીનું કુલ ઉત્પાદન આશરે ૫થી ૬  ટકા વધી ૧૭૮૦ લાખ ગુણી (૬૦ કિલોની એક) થવાની શક્યતા છે. ૨૦૨૨- ૨૩ની મોસમમાં કુલ વૈશ્વિક ઉત્પાદન આશરે ૧૬૮૨ લાખ ગુણી થયું હતું. વૈશ્વિક સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે સાઉથ અમેરિકા તથા આફ્રીકામાં કોફીનું ઉત્પાદન વધુ થવાની શક્યતા છે. દરમિયાન, વૈશ્વિક સ્તરે કોફીની કુલ માગ પણ ૨૦૨૩- ૨૪માં વધી ૧૭૭૦ લાખ ગુણી થવાની શક્યતા છે જે પાછલા વર્ષે ૧૭૩૧ લાખ ગુણી નોંધાઈ હતી. જ્યાં કોફીનું ઉત્પાદન થતું નથી એવા દેશોમાં પણ કોફીની માગ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ભારતમાં યુનાઈટેડ પ્લાન્ટર્સ એસોસીએશન ઓફ સધર્ન ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં આ વર્ષે કોફીની પેદાશમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો જોવા મળે એવી ભીતી છે. કમોસમી વરસાદથી કોફીના બીન્સ ઘણા વિસ્તારોમાં છોડ પરથી પડી ગયાના વાવડ મળ્યા હતા.

વિવિધ કઠોળ તથા ખાદ્યતેલોની આયાતમાં વૃધ્ધિ થતી જોવા મળી

ભારત કૃષી પ્રધાન દેશ હોવા છતાં આપણે હજી પણ ઘણા કૃષી ઉત્પાદનોની આયાત કરતા રહ્યા છીએ. ૨૦૨૩ના વિતેલા વર્ષમાં પણ આવો ટ્રેન્ડ જળવાઈ રહેતાં વિવિધ કઠોળ તથા વિવિધ ખાદ્યતેલોની આયાત વર્ષ દરમિયાન વધતી જોવા મળી છે. જોકે દેશમાં વાવેતરનો વિસ્તાર વધ્યો છે પરંતુ હેકટર દીઠ પેદાશ અપેક્ષાછી ઓછી રહેતાં આયાત પર આધાર ચાલુ રહેતાં કૃષી તજજ્ઞો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દેશમાં ચુંટણીઓના માહોલને લક્ષમાં રાખી સરકાર પણ આવી આયાતોને પ્રોત્સાહન આપી ઘરઆંગણે બજારભાવ કાબુમાં રાખવા મથતી જોવા મળી હતી. આ વર્ષે વરસાદની અનિયમિત ચાલના પગલે દેશમાં કઠોળ ઉત્પાદનને અસર પડી છે તથા તેના પગલે પણ આયાત પર આધાર વધ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

ખાસ કરીને તુવેર, અડદ તથા મસુરની આયાતમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી છે. જોકે ચણા તથા મગના ઉત્પાદનમાં દેશ હવે સ્વાવલંબી થઈ ગયો હોવાનો દાવો સરકારી સૂત્રો કરી રહ્યા હતા. ભારત સરકારે કઠોળની આયાત માટે મ્યાનમાર, મોઝામ્બીક તથા મસાવી સાથે વિશિષ્ટ કરાર કર્યા હતા. બ્રાઝીલથી પણ કઠોળ આયાત કરવા વિચારણા શરૂ થઈ છે. 

આ વર્ષે દેશમાં ઓસ્ટ્રેલીયા, કેનેડા, મ્યાનમાર, મોઝામ્બીક, તાન્ઝાનીયા, સુદાન, મસાવી વિ. ખાતેથી વિવિધ કઠોળની આયાત આશરે ૨૧થી ૨૨ લાખ ટન થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. આ ઉપરાંત દેશમાં વિવિધ ખાદ્યતેલોની આયાત આ વર્ષે વધી ૧૬૪થી ૧૬૫ લાખ ટન થઈ છે જે પાછલા વર્ષે ૧૪૦થી ૧૪૧ લાખ ટન જેટલી નોંધાઈ હતી. આવી આયાતમાં ૧૭થી ૧૮ ટકાની વૃધ્ધિ થઈ છે. ભારત સરકાર દેશમાં પામની ખેતી વધારવા પ્રયત્નો કરી રહી છે છતાં આયાત વૃધ્ધિ ચાલુ રહી હતી.

ભંડોળની અછતે સ્ટાર્ટ અપ્સમાં૧૫૦૦૦થી વધુ કર્મચારીઓને પિન્ક સ્લિપ 

૨૦૨૩નો અંત નજીક છે ત્યારે સમાપ્ત થઈ રહેલા વર્ષમાં અત્યારસુધીમાં કુલ ૧૦૮ સ્ટાર્ટપ્સમાંથી ૧૫૦૯૮ કર્મચારીઓને પિન્ક સ્લિપ પકડાવી દેવાઈ છે. ૨૦૨૨માં ૫૯ જેટલી સ્ટાર્ટઅપ્સ દ્વારા ૧૪૨૨૪ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. વધતા વ્યાજ દર વચ્ચે ભારતીય સ્ટાર્ટઅપ્સ હાલમાં ફન્ડિંગની સમશ્યાનો સામનો કરી રહી છે. પીઈ તથા વીસી રોકાણકારોનો પ્રવાહ પણ પસંદગીના સ્ટાર્ટ અપ્સને બાદ કરતા અન્યમાં મંદ પડી ગયો છે. 

૨૦૨૩માં જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં સ્ટાર્ટઅપ્સમાં ફન્ડિંગ મંદી ચાલુ રહી હતી. ભારતીય સ્ટાર્ટઅપ્સે ૨૦૨૩ના પ્રથમ અગિયાર મહિનામાં ૧૦૧૩ વેન્ચર કેપિટલ (વીસી) ફન્ડિંગ કરાર મારફત ૬.૯૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જે  મૂલ્યની દ્રષ્ટિએ ૬૫.૮૦ ટકા ઓછું છે. ૨૦૨૨ના  આ ગાળામાં દેશની સ્ટાર્ટઅપ્સે વીસી ફન્ડિંગ મારફત ૨૦.૨૦ અબજ ડોલર ઊભા કર્યા હતા. દેશની સ્ટાર્ટઅપ્સના ભંડોળની આવશ્યકતા પૂરી કરવા વીસી ફન્ડિંગ મોટો સ્રોત રહ્યો છે. આમ ભંડોળની અછતથી સ્ટાર્ટઅપ્સે ખર્ચ પર કાપ મૂકવાની ફરજ પડી રહી છે જેની સીધી અસર કર્મચારીઓની છટણીના રૂપમાં જોવા મળી છે. 

સ્ટાર્ટઅપ્સના વેલ્યુએશનને પણ વૈશ્વિક રોકાણકારો ઘટાડી રહ્યાના અહેવાલો હતા. ગયા વર્ષથી શરૂ થયેલી ફન્ડિંગની અછત નવા વર્ષમાં પણ ચાલુ રહેવા ધારણાં છે જે સ્ટાર્ટઅપ્સ માટે સ્થિતિ પડકારરૂપ બનાવશે

યુકેના જક્કી વલણને પગલે  અપેક્ષિત મુકત વેપાર કરાર શકય ન બન્યા

ભારતના સેવા ક્ષેત્ર માટે વિઝા ધોરણો હળવા કરવા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) તૈયાર નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે સૂચિત મુકત વેપાર કરાર (એફટીએ)માં  સેવા ઉદ્યોગ માટે વિઝા ધોરણો હળવા રખાય તેમ ભારત આગ્રહ ધરાવી  રહ્યું છે.સ્થળાંતરની ચિંતાને ધ્યાનમાં રાખી યુકે આ ધોરણોને હળવા બનાવવા માગતુ નથી. 

ભારતની સેવા ક્ષેત્રની કંપનીઓ યુકેમાં ત્યારેજ કામ કરી શકે એમ છે જ્યારે તેમના  સહયોગીઓને ત્યાં  જવા મળી શકે અથવા તો કંપનીઓ યુકેમાં કર્મચારીઓની ભરતી કરે, માટે આવી સ્થિતિમાં વિઝા ધોરણો હળવા બને તે જરૂરી હોવાનો ભારત મત ધરાવે છે.  વિઝા ધોરણો હળવા રખાશે તો તેનાથી યુકેમાં સ્થળાંતરીઓ વધી જવાની તેની સરકારને ચિંતા છે. 

કેટલાક મુદ્દાઓ પર સમતિ નહીં સધાતા ભારત અને યુકે વચ્ચે એફટીએમાં  છેલ્લા એક વર્ષથી ઢીલ થઈ રહી છે.  ભારત-યુકે કરાર લંબાઈ જવા પાછળ વીજ વાહનો પર ટેરિફમાં રાહતની યુકેની માગણી, સેવા ક્ષેત્રની કંપનીઓ માટેના ધોરણો તથા રુલ્સ ઓફ ઓરિજિન મુદ્દા મુખ્ય હતા જેમાં  ૨૦૨૩માં પ્રગતિ જોવા મળી છે. 

ફિનટેક સેક્ટર માટે  પરિવર્તનશીલ પગલાં

માત્ર બે ટૂંકા દાયકાઓમાં, ફિનટેક - 'ફાઇનાન્સ' અને 'ટેક્નોલોજી'નું મિશ્રણ -  નાણાકીય સેવા ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે.  આ ગતિશીલ ક્ષેત્ર વિવિધ નવીનતાઓ દ્વારા ઉભરી રહ્યું છે.  ફિનટેકના સંદર્ભમાં, આરબીઆઈએ કેલેન્ડર વર્ષ ૨૦૨૩ માં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે જે વર્ષની ટોચની હેડલાઈન્સ બની છે. ફિનટેક સેક્ટર માટે  પરિવર્તનશીલ પગલાંમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ ધિરાણ, સક્ષમ UPI,  સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અને ક્રોસ બોર્ડર ચુકવણી માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.

૨૦૨૩ માં પ્રાઇવેટ ઇક્વિટી આઉટલુક મંદી તરફી

વ્યાજદરમાં વધારો થવાને કારણે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન પ્રાઇવેટ ઇક્વિટી સોદા, એક્ઝિટ અને ફંડ એકત્રીકરણમાં તીવ્ર ઘટાડો થયો હતો  જે લગભગ ચોક્કસપણે મંદીનો સંકેત આપે છે. વર્તમાન આર્થિક મંદીને વૈશ્વિક નાણાકીય કટોકટીથી અલગ બનાવે છે તે શું થઈ રહ્યું છે તેની સ્પષ્ટતાનો અભાવ છે. કોઈ ચોક્કસ દરિયાઈ પરિવર્તનનો સંકેત આપવા માટે કોઈ લેહમેન પતન નથી, કોઈ હાઉસિંગ મેલ્ટડાઉન નથી, આર્થિક પ્રવૃત્તિમાં કોઈ તીવ્ર ઘટાડો નથી. તેના બદલે, વૈશ્વિક અર્થવ્યવસ્થા રોકાણકારોને એવી પરિસ્થિતિઓ સાથે રજૂ કરી રહી છે જેઓ પૈકીના ઓછા લોકો પહેલા ક્યારેય જોયા નથી. ફુગાવો ૪૦ વર્ષમાં આટલો ઊંચો અથવા સતત રહ્યો નથી. વ્યાજ દરોમાં પરિણામી વધારાએ વલણને ઉલટાવી દીધું છે.

ફુગાવાની જીવન નિર્વાહ પર અસર 

વધતી જતી મોંઘવારી માલસામાન અને સેવાઓની કિંમતમાં વધારો તરફ દોરી જાય છે, જે વ્યક્તિઓ અને પરિવારો માટે જીવનના એકંદર ખર્ચને અસર કરે છે અને આવશ્યક વસ્તુઓની પોષણક્ષમતા ઘટાડે છે. ખાદ્ય ફુગાવો, જે કુલ ઉપભોક્તા બાસ્કેટમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે, તે જુલાઇમાં ૧૧.૫૧% પર પહોંચ્યો જે જૂનમાં માત્ર ૪.૪૯% હતો જુલાઈમાં, શાકભાજીના ભાવમાં વાર્ષિક ધોરણે ૩૭%નો વધારો થયો, વાર્ષિક ખાદ્ય-ફુગાવો દર ૧૧.૫ પર પહોંચ્યો હતો. ૩ વર્ષમાં સૌથી વધુ, એકંદર ફુગાવાના દરને ૧૫ મહિનાની ટોચે ૭.૪% પર ધકેલ્યો છે. ઈંધણના વધતા ભાવો માલ અને સેવાઓની કિંમતમાં વધારો કરીને ફુગાવામાં સીધો ફાળો આપે છે.  તેમજ મોંઘવારી આવક જૂથની ખરીદ શક્તિને પણ ખાઈ રહી છે.  

પશુઓમાં લમ્પી સ્કીન રોગ ફેલાતાં દૂધના ઉત્પાદનમાં પીછેહટ 

દેશમાં વિદાય લેતા વર્ષમાં દૂધ બજાર તથા ડેરી ઉદ્યોગ ક્ષેત્રમાં સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા હતા. દૂધ ઉત્પાદનમાં વૃધ્ધિની ચાલ ધીમી પડી હતી એવું જાણકારોએ જણાવ્યું હતું. આ વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં લમ્પી સ્કીનનો રોગ ફાટી નિકળતાં દૂધ આપતા ગાય, ભેંસો, બકરી વિ. પશુઓના આરોગ્યને મોટી અસર પડી હતી અને તેના પગલે દેશમાં દૂધના ઉત્પાદનને ફટકો પડયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાછલા વર્ષમાં દેશમાં દૂધ ઉત્પાદનની વૃધ્ધિની વાર્ષિક ટકાવારી ૫.૭૫ થી ૫.૮૦ ટકા નોંધાઈ હતી તે આ વર્ષે ઘટી ૩.૮૦થી ૩.૮૫ ટકા આસપાસ નોંધાઈ હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા હતા.જોકે ઉત્પાદનમાં ઘટાડા છતાં દૂધ ઉત્પાદક દેશોમાં વૈશ્વિક સ્તરે ભારતનો પ્રથમ ક્રમાંક જળવાઈ રહ્યો હતો. દેશમાં પશુપાલન તથા ડેરી ક્ષેત્રમાં લમ્પી સ્કીનનો રોગ વ્યાપક પ્રમાણમાં પશુઓને લાગુ પડયો હતો અને આના પગલે દૂધની સપ્લાય ઘટી હતી. ઘણા વિસ્તારોમાં તો આ રોગના કારણે પશુઓ ચાલી પણ શકતા ન હતા અને પશુઓને ખુબ વેદના થતી જોવા મળી હતી.


Google NewsGoogle News