Get The App

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનું પણ છે રોકાણ

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનું પણ છે રોકાણ 1 - image


BluSmart EV Scam : ‘જેન્સોલ એન્જિનિયરિંગ’ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ જેવા તેવાએ નહીં, સેબીએ (Securities and Exchange Board of India)એ લગાવ્યો છે. સેબીએ જાહેર કર્યું હતું કે પ્રમોટરોએ કંપનીના પૈસે વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, ગોલ્ફ રમવા માટે લેટેસ્ટ સેટ ખરીદ્યા, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા, પ્રવાસ કર્યો અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

સેબીએ મંગળવારે રાઈડ-હેઈલિંગ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદી સંબંધિત દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ જેન્સોલ એન્જિનિયરિંગના સ્થાપકોને કંપનીમાં મુખ્ય હોદ્દા પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેન્સોલના સ્થાપકો અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીને સિક્યોરિટીઝ માર્કેટમાં ભાગ લેવાની પણ મનાઈ ફરમાવાઈ છે. અનમોલ સિંહ જગ્ગી દ્વારા સહ-સ્થાપિત બ્લુસ્માર્ટ દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઈમાં ઈલેક્ટ્રિક કાર સેવાઓ પૂરી પાડે છે.

સેબીના સનસનીખેજ આરોપથી હોબાળો 

સેબીએ જણાવ્યું હતું કે, જેન્સોલ એન્જિનિયરિંગના પ્રમોટરોએ કંપનીને અંગત માલિકીની ગણીને ફંડનો દુરુપયોગ કર્યો હતો. કંપનીના ફંડમાંથી તેમણે ગુડગાંવ ખાતેના લક્ઝરીઅર રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ ‘ધ કેમેલીઆસ’માં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. એ ઉપરાંત તેમણે ગોલ્ફ રમવા માટે ગોલ્ફ સેટ પણ ખરીદ્યો હતો, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા હતા, નાણાં પ્રવાસમાં ખર્ચ્યા હતા અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આ આરોપોથી કોર્પોરેટ વર્લ્ડમાં હોબાળો મચી ગયો છે. 

ટર્મ લોનનો પણ દુરુપયોગ કર્યો 

સેબીના જણાવ્યા અનુસાર જેન્સોલ એન્જિનિયરિંગએ રૂપિયા 977.75 કરોડની લોન મેળવી હતી, જેમાંથી રૂપિયા 663.89 કરોડના 6,400 નંગ ઈલેક્ટ્રિક વાહનો (EVs) ખરીદવાના હતા. કંપની દ્વારા ઈવી ખરીદીને ‘બ્લુસ્માર્ટ’ કંપનીને લીઝ પર આપવામાં આવ્યા હતા. જોકે, નિયત 6,400 નંગને બદલે ફક્ત 4,704 ઈવીની ખરીદી કરવામાં આવી છે. ઈવી વેચનારી ગો-ઓટો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું કે તેમણે જેન્સોલ એન્જિનિયરિંગને રૂપિયા 567.73 કરોડના મૂલ્યના 4,704 ઈવી વેચ્યા છે. જેન્સોલને વધારાનો 20 ટકા ઈક્વિટી ફાળો આપવાનો હતો તે જોતાં ઈવીનો કુલ અપેક્ષિત ખર્ચ રૂપિયા 829.86 કરોડ હતો. એટલે કે રૂપિયા 262.13 કરોડનો હિસાબ હજુ પણ બાકી છે.

આ પણ વાંચો : ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો

કંપનીના નાણાં મોજશોખમાં ઉડાવી દીધા

કંપનીના પ્રમોટરોએ નાણાં ક્યાં ખર્ચ્યા એ જાણવા માટે સેબીએ જેન્સોલ અને ગો-ઓટો બંનેના બેંક સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કર્યું. એમાં જાણવા મળ્યું હતું કે ઈવીની ખરીદી માટે ગો-ઓટોમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં ઘણીવાર સીધી કે આડકતરી રીતે જેન્સોલના કે પછી અનમોલ અને પુનીતની માલિકીની ખાનગી સંસ્થાઓના બેંક એકાઉન્ટમાં પાછા આવી ગયા હતા. શેરધારકોના હિતને ધ્યાનમાં લીધા વિના નાણાંનો ઉપયોગ પ્રમોટરોના વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. 

  • ગુડગાંવ ખાતેના લક્ઝરીઅર રેસિડેન્શિઅલ કોમ્પ્લેક્સ ‘ધ કેમેલીઆસ’માં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદવા માટે અનમોલ સિંહ જગ્ગીના ‘કેપબ્રિજ વેન્ચર્સ’ દ્વારા રૂપિયા 42.94 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
  • અશ્નીર ગ્રોવરના સ્ટાર્ટઅપ ‘થર્ડ યુનિકોર્ન’માં રૂપિયા 50 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું.
  • અનમોલના પત્ની મુગ્ધા કૌર જગ્ગીના ખાતામાં રૂપિયા 2.98 કરોડ અને માતા જસ્મિન્દર કૌરના ખાતામાં રૂપિયા 6.20 કરોડ નાંખવામાં આવ્યા હતા. 
  • ગોલ્ફ સેટ ખરીદવા માટે રૂપિયા 26 લાખ ખર્ચવામાં આવ્યા હતા. 
  • મેકમાયટ્રિપ દ્વારા કરવામાં આવેલા પ્રવાસનો ખર્ચ રૂપિયા 3 લાખ હતો. 
  • પુનીતના પત્ની શલ્માલી કૌર જગ્ગીના ખાતામાં 1.13 કરોડ અને માતાના ખાતામાં 87.52 લાખ ડાયવર્ટ કરાયા હતા.   
  • કંપનીના નાણાંનો ઉપયોગ બંને ભાઈઓના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ કરવામાં આવ્યો હતો. 

બ્લુસ્માર્ટના વાહનો ખોટકાયા, જેન્સોલના શેર ગગડ્યા

સેબી દ્વારા કરવામાં આવેલા ધડાકાએ બ્લુસ્માર્ટના કામ પર સીધી અસર કરી હતી. બુધવારે દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઈમાં ઘણા મુસાફરો ‘રાઇડ હેલિંગ એપ બ્લુસ્માર્ટ’ દ્વારા કેબ બુક કરવામાં અસમર્થ રહ્યા હતા. 

બુધવારે જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં 5 ટકાનો કડાકો બોલી ગયો હતો. બીએસઈ પર તેના શેર 4.99 ટકા ઘટીને રૂપિયા 123.65 ની નીચલી સર્કિટ મર્યાદા પર પહોંચી ગયા હતા. એનએસઈ પર કંપનીના શેર 5 ટકા ઘટીને રૂપિયા 122.68 પર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહી હોવાનો દાવો

અમે ફોરેન્સિક ઓડિટમાં સહકાર આપીશુંઃ જેન્સોલ 

જેન્સોલ એન્જિનિયરિંગ અને તેની સંબંધિત સંસ્થાઓના હિસાબોની સંપૂર્ણ તપાસ કરવા માટે સેબી ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરશે. જેન્સોલ એન્જિનિયરિંગે બુધવારે જણાવ્યું હતું કે તેઓ સેબીના આદેશ પર થનારા ફોરેન્સિક ઓડિટમાં સંપૂર્ણ સહયોગ કરશે. 

કંપનીએ જણાવ્યું હતું કે, સેબીના નિર્દેશોનું પાલન કરીને અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીને આગામી આદેશો સુધી જેન્સોલમાં ડિરેક્ટર અથવા મુખ્ય મેનેજરિયલ કર્મચારીનું પદ સંભાળવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેઓ હવે કંપનીના સંચાલનમાં ભાગ લઈ રહ્યા નથી.

એક ભૂલ અને ડબ્બા ગુલ

31 ડિસેમ્બર, 2024 સુધી જેન્સોલ એન્જિનિયરિંગના 37.4 % શેર રોકાણકારો પાસે હતા. કંપનીના ત્રીજા ક્વાર્ટરના નફામાં સામાન્ય ઘટાડો થયો ત્યારે પણ કંપનીએ 68 % વળતર આપ્યું હતું. પરંતુ ગયા મહિને કંપનીના ડેટ રેટિંગને ઘટાડીને ડિફોલ્ટ કરવામાં આવતાં કંપનીની નૈયા હાલકડોલક થઈ ઊઠી હતી. વેચાણનો ધસારો શરૂ થયો જેના પરિણામે કંપનીએ 30 દિવસના સમયગાળામાં તેના બજાર મૂડીકરણનો લગભગ 80 % હિસ્સો ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે

વિવાદમાં પોતાનું નામ ખરડાતાં અશ્નીર ગ્રોવર ભડક્યા

ભારતપેના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરનું નામ આ વિવાદમાં સંકળાતા અશ્નીરે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. શાર્ક ટેન્ક ઇન્ડિયાના ભૂતપૂર્વ જજે X પર લખ્યું હતું કે, 'મેં બ્લુસ્માર્ટમાં 1.5 કરોડ રૂપિયા અને મેટ્રિક્સમાં 0.25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મારા અને મારી કંપનીના નામનો ઉપયોગ જેન્સોલ અને બ્લુસ્માર્ટના આ ફિયાસ્કોમાં કરવો એ શરમજનક બાબત છે, સસ્તું પત્રકારત્વ છે.'   આ સમગ્ર મામલામાં પોતાની જાતને 'પીડિત/વિક્ટિમ' ગણાવીને ગ્રોવરે મીડિયા માધ્યમોની પણ ટીકા કરી હતી.

દીપિકા પાદુકોણ અને એમ.એસ.ધોની પણ છે રોકાણકાર

કંપનીના રોકાણકારોમાં ક્રિકેટર એમ.એસ. ધોની, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, બજાજ ફિનસર્વના સંજીવ બજાજ અને ‘રીન્યુ’ના ચેરમેન સુમંત સિંહા જેવા દિગ્ગજોના નામ પણ સામે આવ્યા છે. કંપનીએ 2019થી લઈને 2024 સુધીમાં આવા અનેક જાણીતા લોકોના રોકાણ મેળવ્યા હતા.

Tags :