સોનું ઉછળીને રૂ.83,500 થતાં નવો રેકોર્ડ
- ૨૦૨૪ના બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં દેશમાં સોનાની સત્તાવાર આયાત વધી
- વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા : વાર્ષિક આયાત ૮૦૦ ટન જેટલી : દાણચોરીમાં ઘટાડો
મુંબઈ : વિશ્વ બજાર વધતાં ગરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. અમદાવાદ બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૮૩૫૦૦ની નવી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૭૪૪થી ૨૭૪૫ વાળા ઉંચામાં ૨૭૬૬થી ૨૭૬૭ થઈ ૨૭૫૬છી ૨૭૫૭ ડોલર રહ્યાના સમાચાર હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૧૫થી ૩૦.૧૬ વાળા વધી ૩૦.૫૪થી ૩૦.૫૫ થઈ ૩૦.૪૬થી ૩૦.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૩૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૧૦૦૦ રહ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી નવી ટોચે પહોંચ્યા હતા. ચાંદી પણ ઉંચકાઈ હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. મુંબઈમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૯૯૯૧ વાળા રૂ.૮૦૬૫૧ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૦૩૧૩ વાળા ૮૦૯૭૫ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૭૫૦ વાળા રૂ.૯૦૬૮૦ રહ્યા હતા. વિશ્વ બજારના પ્લેટીનમના ભાવ ઔંશદીઠ નીચામાં ૯૪૦ ડોલર તથા ઉંચામાં ૯૫૦ ડોલર થઈ ૯૪૬થી ૯૪૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૯ તથા ઉંચામાં ૯૬૧ થઈ ૯૫૭ થી ૯૫૮ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૦૮ ટકા પ્લસમાં હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૬થી ૨૭ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. ગેસોલીનના સ્ટોક ૧૮ થી ૧૯ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર હતા.
હવે બજારની નજર કર્ડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની સોમવારે મળનારી મિટિંગ પર રહી છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૭.૬૯ વાળા નીચામાં ૭૬.૫૯ થઈ ૭૬.૯૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૩.૬૦ વાળા નીચામાં ૭૨.૯૩ થઈ ૭૩.૩૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
ભારતમાં ડિસેમ્બરમાં સોનાની આયાત આશરે ૫૦ ટન આવી હતી તથા ૨૦૨૪ના આખા વર્ષમાં આવી આયાત કુલ આશરે ૮૦૦ ટન જેટલી આવી હતી. નાણાંપ્રધાને ૨૦૨૪માં બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યા પછી દેશમાં સોનાની દાણચોરીની આવકો ઘટી હતી જ્યારે સત્તાવાર આયાતો વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
હવે શનિવારે આ વર્ષનું બજેટ નાણાં પ્રધાન બહાર પાડશે તથા સોનાની ઈમ્પોર્ટ ડયુટી વિશે કોઈ ફેરફારો જાહેર કરવામાં આવે છે કે નહિં તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે.