સોનામાં આગેકૂચ: ચાંદી વધી રૂ.82000 ક્રૂડતેલ 80 ડોલરની સપાટી પાર કરી ગયું
- વૈશ્વિક સોનાના ભાવ વધી ઔંશના 2450 ડોલર નજીક પહોંચ્યા
- મિડલ ઈસ્ટમાં તથા રશિયા-યુક્રેન વચ્ચે ફરી તંગદિલી તથા લીબીયામાં ઉત્પાદન ઘટતાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જોવા મળી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા જ્યારે ચાંદીમાં ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ વધતી બજારે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૩૧થી ૨૪૩૨ વાળા ઉંચામાં ૨૪૪૪થી ૨૪૪૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું. ક્રૂડતેલ વધતાં તેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી હતી.
દરમિયાન, સોના પાછળ વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉંચકાઈ હતી. ચાંદીના વૈશ્વિક ભાવ આજે ઔંશના ૨૭.૪૫થી ૨૭.૪૬ ડોલરવાળા વધી ૨૮.૦૦થી ૨૮.૦૧ થઈ ૨૭.૯૨થી ૨૭.૯૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૨૦૦૦ને આંબી ગયા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૫થી ૯૨૬ વાળા ઉંચામાં ૯૪૨ થઈ ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૦૯થી ૯૧૦ વાળા વધી ૯૩૮ થઈ ૯૩૩થી ૯૩૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૮ ટકા ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ આજે તેજી આગળ વધતાં ઉંચામાં ભાવ બેરલના ૮૦ ડોલરની સપાટી પાર કરી ગયા હતા.