સોનું ઉછળી રૂ.65000 નજીકઃ રૂપિયા સામે ડોલર તૂટયોઃ ક્રૂડના ભાવમાં ઝડપી ઘટાડો
અમેરિકામાં બેરોજગારીના દાવા વધી બે વર્ષની ટોચે
પેલેડીયમે ૧૦૦૦ ડોલરની સપાટી ગુમાવીઃ ક્રૂડ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં વધુ કાપ મૂક્યો છતાં ભાવ તૂટતાં બતાવાતું આશ્ચર્ય
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવ આજે ઘટાડા પર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૦૩૮થી ૨૦૩૯ વાળા નીચામાં ૨૦૩૩ થઈ ૨૦૩૪થી ૨૦૩૫ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક ચાંદીના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૫.૦૬થી ૨૫.૦૭ વાલા ઉંચામાં ૨૫.૪૭ થઈ ૨૫.૧૩થી ૨૫.૧૪ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૬૫ હજાર નજીક પહોંચ્યા હતા. અણદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૪૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૮૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૬૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેેટીનમના ભાવ ઔંશના ૯૩૯ વાળા ૯૨૫ થઈ ૯૨૬થી ૯૨૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૧૯ વાલા વધુ ગબડી ૧૦૦૦ની અંદર ઉતરી નીચામાં ભાવ ૯૯૧થી ૯૯૨ થઈ ૯૯૪થી ૯૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે જો કે ૦.૭૫થી ૦.૮૦ ટકા ઉંચા બોલાતા થયા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૪૦ વાળા સવારે રૂ.૮૩.૨૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૨૬ તથા ઉંચામાં ભાવ રૂ.૮૩.૩૬ રહ્યા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૨૯ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૧૧ પૈસાતૂટતાં રૂપિયો ૦.૧૩ ટકા ઉંચકાયો હતો. શેરબજાર ઉછળતાં ભાવ ઘટતા કરન્સી બજારમાં રૂપિયા પર તેની પોઝીટીવ અસર જોવા મળી હતી. રૂપિયામાં આજે જોવા મળેલી વૃદ્ધી બે સપ્તાહની સૌથી મોટી દૈનિક વૃદ્ધી મનાઈ રહી હતી. ભારતના જીડીપી આંકડા સારા આવતાં તેની પણ સારી અસર રૂપિયા પર જોવા મળી હતી. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૩.૪૫ તથા નીચામાં ૧૦૩.૨૭ થઈ ૧૦૩.૨૯ રહ્યો હતો. રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૪ પૈસા વધી રૂ.૧૦૫.૫૨ રહ્યા હતા.