Gold Prices: સોના-ચાંદીના ભાવ આજે ફરી ઘટ્યા, જાણો અમદાવાદમાં શું કિંમત
Gold Prices: ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો યથાવત જાળવી રાખ્યા છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમત ઓપનિંગ સેશનમાં વધી હતી. પરંતુ બાદમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. સોમવારથી ગુરૂવાર સુધીમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 1200 ઘટ્યો છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ વધુ રૂ. 200 ઘટી રૂ. 73300 પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદી રૂ. 80000 પ્રતિ કિગ્રાના સ્તરે સ્થિર રહી છે. ગઈકાલે રૂ. 500 ઘટી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. એમસીએક્સ સોનું રૂ. 71200ની હાઈ રેન્જથી ઘટી રૂ. 70600 થયુ છે.
અમેરિકી ફેડ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ ગઈકાલે વ્યાજદરો યથાવત રાખ્યા હતા. તેમજ લાંબા સમય સુધી ઉંચા વ્યાજદરો (હોકિશ વલણ) જળવાઈ રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. જેથી કિંમતી ધાતુમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. રોકાણકારો હવે શુક્રવારે બિનકૃષિ રોજગારી અને બેરોજગારીના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે. જેના પરથી તેઓ આગામી માર્કેટ ટ્રેન્ડ નક્કી કરે તેવુ કોમોડિટી નિષ્ણાતો જણાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે સોનું 0.7 ટકા ઘટ્યું
ફેડ રિઝર્વ દ્વારા ઊંચા ફુગાવાના કારણે વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન થવાની ખાતરી મળતાં વૈશ્વિક સ્તરે બુલિયન માર્કેટમાં અફરાતફરી વધી હતી. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 0.7 ટકા ઘટી 2301 ડોલર પ્રતિ ઔંશ આસપાસ થયુ હતું. સ્પોટ ચાંદી 1 ટકા ઘટી 26.38 પ્રતિ ઔંશ પર ટ્રેડેડ હતી. જે બુધવારે 1.4 ટકા વધ્યું હતું. આજે સાંજે વૈશ્વિક સોનું 1.40 ટકા સુધારા સાથે 2312.40 પર ટ્રેડ થઈ રહ્યું હતું. MCX સોનાનો 5 જૂન વાયદો 37 રૂપિયા વધી રૂ. 70762 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 3 મે વાયદો રૂ. 385 ઘટી રૂ. 79485 પ્રતિ કિગ્રા રહ્યો હતો.