ચાંદી રેકોર્ડ તેજી સાથે આજે ભાવ ઑલટાઈમ હાઈ, હવે એક લાખની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા
Gold Silver Prices Today: સોના કરતાં ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર જારી રહ્યો છે. વૈશ્વિક બજારોની સથવારે આજે સ્થાનીય બજારમાં ચાંદી રૂ. 94000 પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. અમદાવાદ હાજર બજારમાં સોનાની કિંમત આજે નજીવી રૂ. 200 વધી રૂ. 74750 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે ચાંદીમાં રૂ.1000નો ઉછાળો નોંધાઈ ભાવ કિગ્રાદીઠ રૂ. 94000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. અગાઉ 22 મેના રોજ રૂ. 93000ની ટોચ નોંધાવી હતી.
અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક બજારોમાં રોજ નવા રેકોર્ડ ભાવના કારણે ઘરાકી મંદ રહી છે. પરંતુ વૈશ્વિક સ્તરે સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં વૃદ્ધિના કારણે સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. જો ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતા પ્રબળ બને તો આગામી થોડા મહિનામાં ચાંદી રૂ. 1 લાખ પ્રતિ કિગ્રાના રેકોર્ડ સ્તરે પહોંચશે.
ચાંદીમાં મબલક રિટર્ન
સ્થાનીય બજારમાં સોના-ચાંદીના રેટ પર નજર કરીએ તો, ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના કરતાં ચાંદીમાં આકર્ષક રિટર્ન જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ચાંદી રૂ. 74500ના લેવલથી રૂ. 19500 વધી રૂ. 94000 પ્રતિ કિગ્રા થઈ છે. જે 26.17 ટકા ઉછાળો દર્શાવે છે. જ્યારે સોનુ આજના ભાવ સામે અત્યારસુધી 14.47 ટકા (રૂ. 9450 પ્રતિ 10 ગ્રામ) રિટર્ન આપી રહ્યું છે.
નિષ્ણાતોના મતે ચાંદી
વૈશ્વિક બજારોમાં ચાંદીની માગ સતત વધી રહી છે. વૈશ્વિક બજારોમાં ચાંદી (COMEX)ના ભાવ 31.33 ટકા વધ્યા છે. જ્યારે સોનામાં 11.23 ટકાનો ઉછાળો નોંધાયો છે. અમેરિકી વ્યાજદરોમાં ઘટાડાનો આશાવાદ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના પગલે કિંમતી ધાતુ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. બીજી બાજુ ઔદ્યોગિક માગ પણ વધી છે. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા મામલે સોલાર પેનલ, ઈલેક્ટ્રિક વ્હિકલ્સની વધતી માગના કારણે ચાંદીની માગ વધી છે.
ગોલ્ડ આઉટલૂક
"કોમેક્સમાં સોનાના ભાવને 2355-2360$ પર રેઝિસ્ટન્સ લેવલનો સામનો કરવો પડ્યો હતો, અને MCX સોનાને 72450 રૂપિયાની આસપાસ વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. ડૉલરમાં નજીવો વધારો, અને શુક્રવારે આગામી PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જે ફુગાવાના અંદાજો તરફ સંકેત આપશે આ રીતે સકારાત્મક પછી સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 71250 થી 72450 સુધીની રેલી PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા બહાર ન આવે ત્યાં સુધી સોનું 71000 અને 72600ની નજીક રેઝિસ્ટન્સ લેશે."
(નોંધઃ આ લેખ માત્ર માહિતી માટે છે. રોકાણની સલાહ આપતો નથી, રોકાણ માટે તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)