અમદાવાદમાં ચાંદી અધધધ ઉછળી રૂ. 1,00,000 થઈ, સોનામાં પણ ઉછાળો, જૂના રોકાણકારોને કમાણી
Gold Silver Price Boom: વૈશ્વિક અને રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં ધૂમ તેજી જોવા મળી છે. દિવાળી ટાણે જ અમદાવાદમાં ચાંદી પ્રથમ વખત રેકોર્ડ રૂ. 1 લાખ પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી છે. ચાંદીમાં આજે રૂ. 3000નો ઉછાળો નોંધાયો છે. ચીન દ્વારા છેલ્લા ત્રણ માસમાં 829 ટન સિલ્વર ઈટીએફની ખરીદી કરી છે. જેના લીધે પણ વૈશ્વિક સ્તરે સોના કરતાં ચાંદીની માગ અનેકગણી વધી છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા રેટ કટની જાહેરાતની અસર કિંમતી ધાતુ પર જોવા મળી છે.
સોના કરતાં ચાંદીમાં સવાયુ રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ ક્રાઈસિસ અને અમેરિકાની આર્થિક સ્થિતિના કારણે કિંમતી ધાતુમાં આકર્ષક તેજી રહી છે. જો કે, સોના કરતાં ચાંદીમાં સવાયુ રિટર્ન જોવા મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં ચાંદીમાં 34.23 ટકા જ્યારે સોનામાં 28.87 ટકા રિટર્ન છૂટ્યું છે. ચાંદીની રિટેલ માંગ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ માંગ વધી છે. વૈશ્વિક સ્તરે પણ ચાંદી 12 વર્ષની ટોચે ક્વોટ થઈ રહી છે. કોવિડ સમયે 2020માં ચાંદી 61500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. જેણે ચાર વર્ષમાં જ રોકાણકારોને કિલોગ્રામ દીઠ રૂ. 39500નો નફો અપાવ્યો છે.
આ પણ વાંચોઃશેરબજાર માટે ઓક્ટોબર મહિનો અશુભ, રોકાણકારોના રૂ. 30 લાખ કરોડ ડૂબ્યાં
સોનું પણ ઓલટાઈમ હાઈ
સ્થાનિક બજારમાં આજે સોનાની કિંમત પણ રૂ. 100 ઉછળી રૂ. 80800 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ટોચે પહોંચી છે. સ્પોટ ગોલ્ડે ગઈકાલે 2740.37 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ નોંધાવી હતી. કોમોડિટી નિષ્ણાતોએ પણ લાંબા સમય બાદ કિંમતી ધાતુમાં આટલો લાંબો સમય તેજી ચાલી હોવાનું સ્વીકાર્યું છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો, લગભગ ત્રણ-ચાર વર્ષના અંતરાલ પર સોના-ચાંદીમાં મબલક તેજી જોવા મળે છે.
વધતા ભાવોથી વેચાણ પર ફટકો
આ વર્ષે કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી હોવા છતાં તેમાં ચાલી રહેલી તેજીના પગલે તહેવારોમાં માગ નબળી રહેવાની શક્યતા રિટેલ જ્વેલર્સે દર્શાવી છે. વધતા ભાવોના લીધે વેચાણ પર ફટકો પડી શકે છે. ભાવ આસમાને પહોંચતાં જૂનો માલ વેચી પ્રોફિટ બુકિંગ કરનારાની સંખ્યા વધશે. જ્યારે નવા ખરીદદારો હાલ રાહ જોઈ શકે છે.