સોનામાં નજીવો વધારો, ચાંદીમાં સ્થિતિ યથાવત, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીએ વિરામ લીધો છે. અમેરિકી ફુગાવાના આંકડાઓ પર રોકાણકારોની નજર હોવાથી હાલ કિંમતી ધાતુ બજારમાં રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. જેના પગલે સોના-ચાંદીની કિંમતોમાં કોઈ ખાસ ઉથલપાથલ જોવા મળી નથી.
અમદાવાદમાં સોનાનો ભાવ આજે રૂ. 250 વધી રૂ. 74700 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ગઈકાલની રૂ. 93500 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહ્યો છે. અગાઉ બુધવારે ચાંદી રૂ. 94 હજાર પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી.
એમસીએક્સ સોના-ચાંદીમાં સામસામા રાહ
એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,848ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,070 અને નીચામાં રૂ.71,848ના મથાળે અથડાઈ, રૂ.174 વધી રૂ.72,070ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,755 વધી રૂ.60,281 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.7,141ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.181 વધી રૂ.72,033ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,855 અને નીચામાં રૂ.92,761 ના મથાળે અથડાઈ, રૂ.290 ઘટી રૂ.93,833 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.330 ઘટી રૂ.93,715 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.344 ઘટી રૂ.93,694 બોલાઈ રહ્યો હતો.