ધનતેરસ પહેલાં સોનું ઐતિહાસિક ટોચે, ચાંદી પણ સર્વોચ્ચ સપાટી નજીક, જાણો લેટેસ્ટ અપડેટ્સ
Gold Silver Price: દિવાળી અને ધનતેરસ પહેલાં જ સોના-ચાંદીની ચમક વધી છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં સોના-ચાંદીમાં રેકોર્ડ વૃદ્ધિની અસર સ્થાનિક બજારોમાં જોવા મળી છે. સ્થાનિક બજારોમાં આજે સોના-ચાંદીના ભાવ રૂ. 500 વધ્યા છે.
સોનું ઐતિહાસિક ટોચે
અમદાવાદ ચોક્સી બજારમાં આજે સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 79800 પ્રતિ 10 ગ્રામ સાથે ઐતિહાસિક ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. 500 ઉછળી રૂ. 92500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે તેના રેકોર્ડ લેવલ રૂ. 93000 પ્રતિ કિગ્રા નજીક છે.
MCX સોનું પણ રેકોર્ડ હાઈ
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77294ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77667ના ઓલટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.77294ના સ્તરને સ્પર્શી, રૂ.77107ના આગલા બંધ સામે રૂ.482 વધી રૂ.77589ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.543 ઊછળી રૂ.62250ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.7564ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.533ના ઉછાળા સાથે રૂ.77073ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ EPFO ધારકોને દિવાળી પહેલા મળી ગિફ્ટ! છ કરોડથી વધુ લોકો માટે સરકારની મોટી જાહેરાત
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93135 અને નીચામાં રૂ.91995ના મથાળે અથડાઈ, રૂ.91744ના આગલા બંધ સામે રૂ.1257ના ઉછાળા સાથે રૂ.93001ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1210ની તેજી સાથે રૂ.92824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1209ના ઉછાળા સાથે રૂ.92824ના ભાવ થયા હતા.
પ્રથમ વખત 2700 ડોલર સપાટી ક્રોસ
વૈશ્વિક સ્તરે પણ કિંમતી ધાતુની માગ વધતાં સ્પોટ ગોલ્ડ પ્રથમ વખત 2700 ડોલરનું લેવલ ક્રોસ કરી 2729.30 ડોલર પ્રતિ ઔંશની રેકોર્ડ સપાટીએ નોંધાયુ છે. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ, અમેરિકાની ચૂંટણી અંગે અનિશ્ચિતતાઓ અને ડોલર ઈન્ડેક્સ નબળો પડવા સહિતના પરિબળોના પગલે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે.
નિષ્ણાતના મતે આગળ શું?
LKP સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે, "સોનાના ભાવ તેની મજબૂત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આ મજબૂત વલણ ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા દ્વારા પ્રેરિત છે. નજીકના ભવિષ્યમાં અપેક્ષિત વધુ ઘટાડા સાથે MCX સોનામાં વ્યાપક વલણ સ્પષ્ટપણે હકારાત્મક રહ્યું છે, તે વર્ષની શરૂઆતમાં રૂ. 68,000ના લેવલથી ઊંચકાઈ રૂ. 77,500ની ટોચે પહોંચ્યું છે. જ્યાં સુધી વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ યથાવત રહેશે ત્યાં સુધી સોના માટેનો બુલિશ અંદાજ અકબંધ રહેશે."
આ પણ વાંચોઃ શેરબજારમાં સળંગ પાંચમા દિવસે પણ કડાકો, રોકાણકારોની 7 લાખ કરોડ મૂડી ધોવાઈ
આ વર્ષે 30 ટકાથી વધુ રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષ 2024માં સોનામાં આકર્ષક 22 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. દિવાળીથી દિવાળીના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 30 ટકા રિટર્ન છૂટ્યું છે. આગામી સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 78,500ના સંભવિત અપસાઇડ સાથે બુલિશ રહેશે. સપોર્ટ લેવલ રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યો છે. વર્તમાન તેજીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા ગાળામાં કરેક્શન આવી શકે છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે.
ડિસ્ક્લેમરઃ
(અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર પુરતી છે, જે રોકાણ અંગે કોઈ સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)