અમદાવાદમાં સોનું અધધધ મોંઘું થયું, ઐતિહાસિક ટોચે પહોંચ્યા ભાવ, ચાંદીમાં નરમ માહોલ જોવા મળ્યો
Gold price Boom: વૈશ્વિક બજારોના સથવારે કિંમતી ધાતુ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. તહેવારોના ટાણે સ્થાનિક સ્તરે ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે સોનાની કિંમત ઐતિહાસિક ટોચે પહોંચી હતી. જો કે, ચાંદી શનિવારની તુલનાએ રૂ. 500 સસ્તી થઈ હતી.
જાણો આજના ભાવ
અમદાવાદ ચોક્સી મહાજન દ્વારા જારી ભાવ લિસ્ટના આધારે, આજે 999 સોનાની કિંમત રૂ. 77000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચી હતી. ચાંદી રૂ. 500 ઘટી રૂ. 88000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. 995 સોનાનો ભાવ પણ રેકોર્ડ 76800 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનાથી સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ હવે ફરી ભાવમાં તેજી આવી છે.
એમસીએક્સ સોના-ચાંદીમાં સામ સામા રાહ
કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12101.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.74205ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.74344 અને નીચામાં રૂ.73983ના સ્તરને સ્પર્શી, રૂ.74040ના આગલા બંધ સામે રૂ.161 વધી રૂ.74201ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.59700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.7244ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.125 વધી રૂ.74102ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.90177ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90230 અને નીચામાં રૂ.88341ના સ્તરને સ્પર્શી, રૂ.90135ના આગલા બંધ સામે રૂ.1087 ઘટી રૂ.89048ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1081 ઘટી રૂ.88989ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1088 ઘટી રૂ.88970ના ભાવ થયા હતા.
આ પણ વાંચોઃશેરબજારમાં અવિરત તેજી, સેન્સેક્સ ફરી નવી રેકોર્ડ ટોચે, નિફ્ટી 26000 નજીક, 455 શેર્સમાં અપર સર્કિટ
તેજી પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે અમેરિકાની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો કરાતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. યુક્રેન-રશિયા, ઈઝરાયલ-ઈરાન વચ્ચે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ વધી છે. જેના પગલે રોકાણકારો સેફ હેવન ધાતુ તરફ ડાયવર્ટ થયા છે. સોના-ચાંદીમાં મજબૂત માગના પગલે ભાવ આસમાને પહોંચ્યા છે.એલકેપી સિક્યુરિટીઝના જતિન ત્રિવેદી કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીના મતે, સ્પોટ ગોલ્ડ 10 ડોલરની તેજી સાથે ખૂલ્યા બાદ એમસીએક્સ સોના-ચાંદી વાયદામાં પણ તેજી જોવા મળી હતી. મોર્નિંગ સેશનમાં પોઝિટિવ નોટ સાથે ખૂલ્યા બાદ નજીવુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એકંદરે કિંમતી ધાતુમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે અમેરિકી જીડીપી અને કોર PCE પ્રાઈસ ઈન્ડેક્સ પર રોકાણકારોની નજર રહેશે. જેના લીધે સોનાની કિંમતમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. એમસીએક્સ સોનામાં 73800-74000નો સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ રૂ. 74500-74600 આપ્યું છે.