Gold-Silverના રોકાણકારોને દિવાળી ભેટ, ચાંદી 1 લાખ નજીક સર્વોચ્ચ સ્તરે, સોનું પણ ઐતિહાસિક ટોચે
Gold Silver Price Today: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં સોના અને ચાંદીના કિંમત ઐતિહાસિક ટોચે પહોંચી છે. MCX સોના-ચાંદીએ પણ રૅકોર્ડ ટોચ નોંધાવી છે.
અમદાવાદમાં આજે સોનાની કિંમત ગઈકાલના બંધ સામે રૂ. 400 વધી રૂ. 80700 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ ટોચે પહોંચી છે, જ્યારે ચાંદી રૂ. 1500 મોંઘી થઈ રૂ. 97000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે અત્યારસુધીનો રૅકોર્ડ ભાવ છે. વર્તમાન તેજીને ધ્યાનમાં લેતાં આગામી બે માસમાં ચાંદી રૂ. 1 લાખની સપાટી વટાવે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
MCX ચાંદીમાં બમ્પર ઉછાળો
MCX ખાતે આજે સોના-ચાંદીમાં નવી રૅકોર્ડ ટોચ નોંધાઈ છે. ચાંદી 5 ડિસેમ્બર વાયદો રૂ. 2648 વધી રૂ. 98050 પ્રતિ કિગ્રા, સોનાનો 5 ડિસેમ્બર વાયદો રૂ. 595 ઉછળી રૂ. 78344 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો છે.
ચાંદીમાં રૅકોર્ડ તેજી જળવાશે
દેશના અમુક શહેરોમાં ચાંદીના ભાવ રૂ. 1 લાખ પ્રતિ કિગ્રાનું લેવલ વટાવી ગયા છે. રિટેલ ખરીદદારો ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હિકલ સેક્ટર અને ફોટોવોલ્ટિક ઍપ્લિકેશન્સમાં ચાંદીની માગ વધતાં ચાંદીમાં તેજી જળવાઈ રહેવાનો આશાવાદ એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી-કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ દુનિયાભરમાં પેટ્રોલના ભાવ ગગડ્યાં, ભુટાન જેવા ગરીબ દેશમાં પણ ભારત કરતાં સસ્તું
ચાંદીનું રેઝિસ્ટન્સ લેવલ 1 લાખ
કોમોડિટી નિષ્ણાત MCX પર ચાંદી માટે રૂ. 1 લાખ પ્રતિ કિગ્રાને રેઝિસ્ટન્સ લેવલ તરીકે જ્યારે રૂ. 96000-96500 પ્રતિ 1 કિગ્રાને સપોર્ટ લેવલ તરીકે જોઈ રહ્યા છે.
સોના-ચાંદીમાં આગળ શું?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે વોટિંગ પોલના કારણે અનિશ્ચિતતાઓ વધી છે. વ્યાજના દરો ઘટવાની શક્યતા તીવ્ર બની છે. બીજી તરફ અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા વ્યાજના દરો ઘટાડવામાં આવ્યા છે. ચીનમાં રાહત પેકેજના લીધે આર્થિક રિકવરીના સંકેતો મળી રહ્યા છે. એકંદરે વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે. આગામી છ-સાત મહિના તેજી જળવાઈ રહે તેવી સંભાવના છે.
ડિસ્ક્લેમરઃ
(અહીં આપેલી વિગતો માત્ર માહિતી માટે જ છે. જે રોકાણ કરવાની સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)