સોનાની ચમક ઝાંખી પડી, ઓલટાઈમ હાઈથી રૂ. 2900 સસ્તુ થયું, જાણો આજે શું રહ્યા ભાવ
Gold Price Today: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરનો તણાવ ઘટવાના સંકેતો વચ્ચે કિંમતી ધાતુ નરમ પડી છે. સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસે તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ઘટ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં રૂ. 2900 પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે. એમસીએક્સ ખાતે પણ આજે સોના-ચાંદી તૂટ્યા છે.
અમદાવાદમાં સોનું 98600
અમદાવાદ ચોક્સી મહાજનના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં સોનું આજે રૂ. 98600 પ્રતિ 10 ગ્રામ થયુ હતું. જે 22 એપ્રિલે રૂ. 101500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચેથી રૂ. 2900 સસ્તુ થયુ છે. જ્યારે ગઈકાલની તુલનાએ સોનામાં રૂ. 100નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવ સળંગ બીજા દિવસે રૂ. 98000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહ્યા છે.
એમસીએક્સ સોનામાં 823નો કડાકો
એમસીએક્સ સોનું (5 જૂન વાયદો) આજે રૂ. 823ના ઘટાડા સાથે 95089 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યો હતો. ચાંદી (5 મે વાયદો) રૂ. 331 તૂટી 97180 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહી હતી. આ સિવાય અન્ય કિંમતી ધાતુ પણ રેડઝોનમાં રહી હતી.
આ પણ વાંચોઃસ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વળતા પાણી: બે વર્ષમાં 28,000થી પણ વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થઇ ગયા
વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોથી ચમક ઝાંખી પડી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ટ્રેડવૉર મુદ્દે ચીન સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. ટેરિફમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ બીજી તરફ ચીને વેપાર તણાવ ઘટાડવા મુદ્દે અમેરિકા સાથે કોઈ વાત કરી હોવાનો ઈનકાર કર્યો છે. વિશ્વના અન્ય દેશો સાથે પણ ટેરિફ મુદ્દે મંત્રણાઓ થઈ રહી હોવાના અહેવાલોના પગલે રાહત મળી છે. ડોલર ઈન્ડેક્સ પણ છેલ્લા બે સપ્તાહમાં કડડભૂસ થયા બાદ સુધારાના મોડ પર છે. આજે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો હતો. રૂપિયો ડોલર સામે આજે 10 પૈસા તૂટી 85.45 થયો હતો. વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સોના-ચાંદીની ચમક ઝાંખી પડી છે.
ઈક્વિટી બજારોમાં તેજી
ટેરિફવૉરના કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટા કડાકા બાદ હવે સુધારો જોવા મળ્યો છે. અમેરિકન-યુરોપિયન સહિત એશિયન બજારમાં સુધારાના પગલે ઈક્વિટી બજારોમાં તેજી જોવા મળી છે. ભારતમાં પણ વિદેશી રોકાણકારોએ ઈક્વિટી બજારમાં રોકાણ વધાર્યું છે. જેના લીધે કિંમતી ધાતુ તરફથી રોકાણકારો પાછા ઈક્વિટી તરફ ડાયવર્ટ થઈ રહ્યા હોવાના સંકેત મળ્યા છે.