સોના-ચાંદીના ભાવ આજે રેકોર્ડ ટોચેથી તૂટ્યા, જાણો કારણો અને આગામી સ્થિતિ
Gold Prices Today: આંતરરાષ્ટ્રીય સ્તરે ગઈકાલે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ આજે ઘટ્યા છે. વૈશ્વિક સ્તરે ચાંદી 11 વર્ષની ટોચે અને સોનુ 2450 ડોલર પ્રતિ ઔંશની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. સ્થાનીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવ ક્રમશઃ 77 હજાર પ્રતિ 10 ગ્રામ અને રૂ. 91500 પ્રતિ કિગ્રા થયા હતા.
આજે કિંમતી ધાતુ બજારમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો જોવા મળ્યો છે. MCX ગોલ્ડ સવારે 10.30 વાગ્યે રૂ. 601 તૂટી રૂ. 73766 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં રૂ. 2000 સુધીનો કડાકો જોવા મળ્યો હતો. 12.35 વાગ્યે એમસીએક્સ સોનુ રૂ. 545 અને ચાંદી રૂ. 1507ના ઘટાડે ટ્રેડ થઈ રહી હતી.
વૈશ્વિક સ્તરે કોમેક્સ સોનુ 19.40 ડોલર ઘટી 2419.50 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 2.10 ડોલર તૂટી 31.725 ડોલર પ્રતિ ઔંશના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.
સોનામાં તેજી જારી રહેશે
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર નિધન બાદ રોકાણકારો આગામી વડા મામલે નિર્ણય પર નજર રાખી રહ્યા છે. ઘણા લોકોએ ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય અસ્થિરતા સર્જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. જેના લીધે સોનાની કિંમતમાં તેજી જોવા મળી શકે છે. ફેડ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરો ઘટાડવાની શક્યતાએ કિંમતી ધાતુમાં ખરીદી વધારી રહી છે. કોમોડિટી નિષ્ણાતોએ વર્ષના અંત સુધી સોનુ રૂ. 80 હજાર સુધી પહોંચવાની તેમજ 2025 સુધી 10 ગ્રામ સોનાની કિંમત દોઢ લાખ થવાની સંભાવના દર્શાવી છે.