સોના- ચાંદીમાં તેજી અટકી ફરી પીછેહટ: રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી આગેકૂચ

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
સોના- ચાંદીમાં તેજી અટકી ફરી પીછેહટ: રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી આગેકૂચ 1 - image


- ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોફીટના આંકડા નબળા આવ્યા

- ક્રૂડમાં ઘટાડો: જાપાને વ્યાજ દર જાળવતાં તથા યુએસમાં ફુગાવો વધતાં ડોલર સામે યેન ગબડી 34 વર્ષના તળીયે!

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર ભાવમાં પીછેહટ બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૪૭થી ૨૩૪૮ વાળા ઘટી નીચામાં ૨૩૨૬થી ૨૩૨૭ થઈ છેલ્લે ભાવ ૨૩૩૭થી ૨૩૩૮ ડોલર સપ્તાહના અંતે રહ્યા હતા. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં ભાવ ફરી દબાણ હેઠળ આવ્યા હતા. 

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી. અમેરિકામાં જીડીપી ગ્રોથ ઘટતાં તથા ફુગાવો વધતાં ત્યાં હવે આવતા વિકમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર હતી. દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૩૫ વાળા વધી રૂ.૮૩.૪૮થી ૮૩.૪૯ બોલાતા થયા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ વધતા અટકી કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૮૧૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૪૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૭૦૦ના મથાળે સૂસ્ત હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૭.૫૯થી ૨૭.૬૦ વાળા નીચામાં ૨૭.૦૮થી ૨.૦૯ થઈ છેલ્લે ૨૭.૨૦થી ૨૭.૨૧ ડોલર રહ્યા હતા. ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોફીટના આંકડા નબળા આવ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે ફરી વેગ પકડી રહેલા વોર પર પણ બજારની નજર હતી. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૭૮ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૧૫થી ૯૧૬ વાળા ૯૧૧થી ૯૧૨ થઈ ૯૧૭થી ૯૧૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૫થી ૯૬૬ વાળા ૯૫૪ થઈ ૯૫૮થી ૯૫૯ ડોલર છેલ્લે બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ નરમ હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૯.૫૭ વાળા નીચામાં ૮૮.૭૮ થઈ ૮૯.૫૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૪.૧૯ વાળા નીચામાં ૮૩.૩૫ થઈ ૮૩.૮૫ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૧૫૮ વાળા રૂ.૭૨૦૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૪૪૮ વાળા રૂ.૭૨૨૫૦ રહ્યા હતા. 


Google NewsGoogle News