સોના-ચાંદી તથા ક્રૂડ ફરી વધ્યું : કિંમતી ધાતુઓની ટેરીફ વેલ્યુમાં વધારો
- અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોકમાં ૪૭ લાખ બેરલ્સનો ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયો ઘટતાં તથા ડોલર ઉંચકાતાં ઝવેરી બજાર પર પોઝીટીવ અસર દેખાઈ હતી. જોકે વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારના ખેલાડીઓની નજર અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર રહી હતી.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૩૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦ હજાર બોલાતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૫ વાળા ઉંચામાં ૨૬૫૧ તથા નીચામાં ૨૬૪૨ થઈ ૨૬૪૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૩૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૩૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૨૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચા તથા પેલેડીયમના ભાવ નીચા બોલાતાં આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ હતી. વૈશ્વિક ડોલરના ભાવ આજે ૦.૧૮ ટકા પ્લસમાં હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૭ લાખ બેરલ્સ ઘટયાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.
આના પગલે યુએસ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૦.૭૪ થઈ ૭૦.૭૦ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૩.૮૨ થઈ ૭૩.૭૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર રૂ.૭૬૩૫૧ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૬૫૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૮૯૦૬૦ રહ્યા હતા.
દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વધારો ર્તાં ઈફેકટીવી ઈમ્પોર્ટ ડયુટી વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામદીઠ ૮૫૦ થી વધી ૮૬૪ ડોલર કરાઈ છે. જ્યારે ચાંદીની કિલોદીઠ ૯૭૮ વાળી ૧૦૩૬ ડોલર કરાયાના સમાચાર મળ્યા હતા.