સોનું રૂ. 87300 અને ચાંદી રૂ. 95000
- વૈશ્વિક સોનું ઉછળી ઔંશના 2877 ડોલરની નવી ટોચે પહોંચ્યું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૮૭ હજારની સપાટી પાર કરી જતાં બજારના ઝવેરીઓ સ્તબ્ધ બની ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ પણઆજે કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૯૫ હજારને અંાંબી ગયા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૮૭૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૭૩૦૦ બોલાતા થતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ છે તથા તેના પગલે ઝવેરી બજારોમાં તોફાની તેજી દેખાઈ રહી છે. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઉંચા મથાળેથી નીચે ઉતરતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં વિશ્વ બજારમાં સોનામાં સેફ-હેવન સ્વરૂપનું બાઈંગ પણ આવી રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૮૧૯થી ૨૮૨૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૨૮૭૭ થઈ ૨૮૭૦થી ૨૮૭૨ ડોલર રહ્યા હતા. હવે ૨૯૦૦ ડોલર તથા ત્યાર પછી ૩૦૦૦ ડોલરના ભાવ પર બજારની નજર મંડાઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૧.૬૪ વાળા વધી ૩૨.૫૪ થઈ ૩૨.૪૧ થી ૩૨.૪૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૮૭ થઈ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૦૭ થઈ ૧૦૦૩થી ૧૦૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૧ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯.૫૦ના રૂ.૮૪૩૧૮ તથા ૯૯.૯૦ના રૂ.૮૪૬૫૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી જીએસટી વગર રૂ.૯૫૪૨૫ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડતેલનોે સ્ટોક લ૫૦થી ૫૧ લાખ બેરલ્સ વધ્યાનું અંમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટેજણાવ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૫૭ વાળા ઉંચામાં ૭૬.૩૪ થયા પછી નીચામાં ભાવ ૭૫.૨૩ થઈ ૭૫.૩૨ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ હવે ઈરાન સામે કેવા પગલાં ભરે છે તેના પર ક્રૂડતેલ બજારના ખેલાડીઓની નજર રહી હતી.
ટ્રમ્પના આગમન પછી વૈશ્વિક બજારોમાં અજંપો વધતાં સોનામાં સેફ-હેવન બાઈંગ વધ્યું: ભાવ ૩૦૦૦ ડોલર થવાની શક્યતા!
ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે
2025માં વૈશ્વિક બેન્કોની ગોલ્ડની જંગી ખરીદી ચાલુ રહેશે
મુંબઈ : ૨૦૨૪માં સતત ત્રીજા વર્ષે ૧૦૦૦ ટનથી વધુનું ગોલ્ડ ખરીદ કર્યા બાદ વિશ્વની કેન્દ્રીય બેન્કો તરફથી વર્તમાન વર્ષમાં પણ ઊંચી ખરીદી ચાલુ રહેવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નેશનલ બેન્ક ઓફ પોલેન્ડ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તથા તુર્કીની કેન્દ્રીય બેન્ક સોનાની ટોચની ખરીદદાર રહી હતી.
આર્થિક તથા ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્રીય બેન્કો હેજિંગ તરીકે ગોલ્ડની ખરીદી કરી રહી છે, એમ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષે ગોલ્ડની એકંદર વૈશ્વિક માગ એક ટકો વધી ૪૯૭૪.૫૦ ટન રહી હતી, પરંતુ ઊંચા ભાવને પરિણામે જ્વેલરી માગ ઘટી હતી.
વિક્રમી ઊંચા ભાવ તથા ઊંચા વોલ્યુમને કારણે ગોલ્ડની વૈશ્વિક માગનો આંક ગયા વર્ષે ૩૮૨ અબજ ડોલર રહ્યો હતો.
ગોલ્ડ જ્વેલરી માગ ૨૦૨૪માં ૧૧ ટકા ઘટી ગઈ હતી. ઊંચા ભાવને કારણે જ્વેલરી માગ દબાણ હેઠળ રહેશે પરંતુ રિસાયકલિંગમાં વધારો જોવા મળશે.
ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરે તો તેવી સ્થિતિમાં સૂચિત અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વૈશ્વિક બેન્કો ગોલ્ડની ખરીદી ચાલુ રાખશે. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો તરફથી સોનાની ઊંચી માગ રહે છે.
2024માં નવ વર્ષની ટોચે રહ્યા બાદ
વર્તમાન વર્ષમાં દેશની સોનાની માગ નબળી પડવાની ધારણા
મુંબઈ : ૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ ઊંચી રહ્યા બાદ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળવાની સંભાવના છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે વર્તમાન વર્ષમાં જ્વેલરીની માગ નીચી રહેવા સંભવ છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ વાર્ષિક ધોરણે પાંચ ટકા વધી ૮૦૨.૮૦ ટન રહી હતી તે ૨૦૨૫માં ઘટી ૭૦૦થી ૮૦૦ ટનની વચ્ચે રહેવા વકી છે. ૨૦૨૩માં સોનાની માગ ૭૬૧ ટન રહી હતી.
૨૦૨૪માં ભારતમાં સોનાની એકંદર માગ વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધી રૂપિયા ૫,૧૫,૩૯૦ કરોડ રહી હતી જે ૨૦૨૩માં રૂપિયા ૩,૯૨,૦૦૦ કરોડ જોવા મળી હતી.
દેશમાં ગોલ્ડની એકંદર માગમાં જ્વેલરી માટેની માગનો હિસ્સો ૭૦ ટકા જેટલો રહે છે. ગોલ્ડના વધી રહેલા ભાવને પરિણામે જ્વેલરી માગ પર અસર પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ઈન્વેસ્ટમેન્ટ માગ હજુપણ જળવાઈ રહી છે, એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ નવ વર્ષની ટોચે રહી હતી પરંતુ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળશે. ૨૦૨૪માં ગોલ્ડની ૮૦૨.૮૦ ટન માગ ૨૦૧૫ બાદ સૌથી ઊંચી રહી હતી. ૨૦૨૪માં જ્વેલરી માગ બે ટકા ઘટી ૫૬૩.૪૦ ટન રહી હતી.