એકધારી તેજીનો માહોલ, સોનાએ 73000 તો ચાંદીએ 81000ની સપાટી કૂદાવી નવા રેકોર્ડ સર્જ્યા

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
એકધારી તેજીનો માહોલ, સોનાએ 73000 તો ચાંદીએ 81000ની સપાટી કૂદાવી નવા રેકોર્ડ સર્જ્યા 1 - image


- વિશ્વબજારમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધ્યા

- ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે તંગદિલી વધતાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું 

અમદાવાદ : વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ઉદ્ભવેલ એકધારી તેજીની  સીધી અસર સ્થાનિક સોના-ચાંદી બજારમાં જોવા મળી રહી છે. વૈશ્વિક તેજી પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં અકલ્પનીય તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમદાવાદ સોનું (૯૯.૯)  રૂ.. ૮૦૦ ઉછળીને ૭૩,૦૦૦ને આંબી ગયું હતું. બીજી તરફ આજે ચાંદી રૂ. ૧,૦૦૦ ઉછળીને ૮૧,૦૦૦ની નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ હતી.

મુંબઈ સોના-ચાંદી બજાર આજે શનિવારના  પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધબજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ રેકોર્ડ તેજી આગળ વધતાં બજારમાં નવા ઉંચા ઐતિહાસિક ભાવ જોવા મળ્યા હતા. વિશ્વબજાર વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં ધરખમ વધારો થતાં દેશના સોના-ચાંદી બજારોમાં આજે પણ તેજીનો ચરુ ઉકળતો જોવા મળ્યો હતો. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૨૮૫થી ૨૨૮૬ વાળા ઉછળી ફરી ૨૩૦૦ની સપાટી કુદાવી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૩૨૯થી ૨૩૩૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૬.૬૧થી ૨૬.૬૨ વાળા ઉંચામાં ૨૭.૪૯થી ૨૭.૫૦ થઈ છેલ્લે ભાવ ૨૭.૪૭થી ૨૭.૪૮ ડોલર બોલાઈ રહ્યા હતા. 

જોકે અમેરીકાના જોબગ્રોથના આંકડા ફેન્ટાસ્ટીક આવ્યા હતા પરંતુ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે ઘર્ષણ વધતાં વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ ફરી વધ્યાનું વૈશ્વિક સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૦.૦૬ વાળા ઉંચામાં ૯૧.૯૧ થઈ છેલ્લે ભાવ ૯૧.૧૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૬.૬૨ વાળા ઉંચામાં ૮૭.૬૮ થઈ છેલ્લે ભાવ ૮૬.૯૧ ડોલર રહ્યા હતા. 

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૧થી ૯૨૨ વાળા ઉંચામાં ૯૩૪થી ૯૩૫ થઈ છેલ્લે ભાવ ૯૩૦થી ૯૩૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૦૨થી ૧૦૦૩ વાળા ૧૦૨૫થી ૧૦૨૬ થઈ ૧૦૦૫થી ૧૦૦૬ ડોલર છેલ્લે રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૩૧ ટકા માઈન્સમાં હતા. 

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ  બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૯થી ૮૩.૩૦ના મથાળે શાંત હતા.  મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૯૬૦૨ વાળા રૂ.૭૦૬૦૦  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૯૮૮૨ વાળા રૂ.૭૦૮૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૯૦૯૬ વાળા રૂ.૮૦૬૦૦ બોલાઈ રહ્યા હતા.  સોનાના ભાવ ઉછળતાં દેશમાં દાણચોરી વધી હોવાના નિર્દેશો હતા. 

GoldSilver

Google NewsGoogle News