સોનું વધુ રૂ.1200 ઉછળી રૂ.76500 ચાંદી રૂ.1000 વધીને રૂ.87000

- અમેરિકામાં બુધવારે જાહેર થનારા વ્યાજ દર ઘટાડા પૂર્વે વિશ્વબજારમાં કોમોડિટીઝ બજારોમાં ફંડોનું એકટીવ બાઈંગ

- વિશ્વબજારમાં સોનું ૨૬૦૦ ડોલર તરફ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
સોનું વધુ રૂ.1200 ઉછળી રૂ.76500 ચાંદી રૂ.1000 વધીને રૂ.87000 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહ્યા હતા. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજાર વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે દેશના ઝવેરીબજારોમાં તહેવારોની મોસમમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૭૫થી ૨૫૭૬ વાળા ઉંચામાં ૨૫૮૬થી ૨૫૮૭ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૫૭૭થી ૨૫૭૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૨૦૦ વધી રૂ.૭૬૦૦૦ પાર કરી ૯૯.૫૦ના ભાવ રૂ.૭૬૩૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૮૭૦૦૦ને આંબી ગયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૧૯થી ૩૦.૨૦ વાળા ઉંચામાં ૩૦.૯૨ થઈ છેલ્લે ભાવ ૩૦.૭૧થી ૩૦.૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ થતાં તેના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું એકટીવ બાઈંગ જળવાઈ રહ્યાના સમાચાર હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૧૦૦.૮૮ થઈ છેલ્લે ૧૦૧.૧૧ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ ૧૭- ૧૮ સપ્ટેમ્બરે મળવાની છે તથા આ મિટિંગમાં ત્યાં વ્યાજના દરમાં પાથી અડધા ટકાનો ઘટાડો કરવામાં આવશે એવી ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ રહી હતી તથા તેની અસર વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ પર તથા વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી.

યુરોપમાં તાજેતરમાં વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે તથા ચીનમાં પણ હવે પછી ટૂંકમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવા સંકેતો મળી રહ્યા હતા ત્યારે હવે વિશ્વના વિવિધ બજારોના ખેલાડીઓની નજર અમેરિકા પર રહી છે. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૭૫૨ વાળા રૂ.૭૩૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૦૪૪ વાળા રૂ.૭૩૪૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૬૧૦૦ વાળા ઉછળી રૂ.૮૭૬૫૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૭થી ૯૯૮ વાળા ઉંચામાં ૧૦૦૬થી ૧૦૦૭ થઈ છેલ્લે ભાવ ૯૯૮થી ૯૯૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૫૬થી ૧૦૫૭ વાળા ઉંચામાં ૧૦૭૯થી ૧૦૮૦ થઈ છેલ્લે ભાવ ૧૦૭૦થી ૧૦૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધી છેલ્લે ૦.૯૭ ટકા પ્લસમાં રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધતા અટકી ફરી નરમ રહ્યાના સમાચાર આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૨.૭૯ વાળા નીચામાં ૭૧.૪૬ થઈ છેલ્લે ભાવ ૭૧.૬૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૯.૯૫ વાળા નીચામાં ૬૮.૪૭ થઈ ૬૮.૬૫ ડોલર રહ્યા હતા. ચીનની નવી ખરીદી ધીમી હતી. ચીનમાં હોમ પ્રાઈસીસ ઘટી રહ્યા હતા. વિશ્વબજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ બ્રેન્ટ ક્રૂડના વાયદા બજારમાં હેજફંડોના મંદીના સોદા વધ્યા છે.

દરમિયાન, ચીનમાં અર્થતંત્રને પીઠબળ આપવા ત્યાંની સરકાર ટૂંકમાં સ્ટીમ્યુલસના નવા પગલાઓ ભરશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજેરૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી બંધ બજારે રૂ.૮૩.૮૮થી ૮૩.૮૯ આસપાસ જળવાઈ રહ્યા હતા.


bullion

Google NewsGoogle News