સોનામાં વર્ષાન્તે પીછેહટ છતાં 26 ટકાની વૃદ્ધિ: દાયકાનું સૌથી શ્રેષ્ઠ વર્ષ પુરવાર
- ચાંદી ૩૫ ટકા વધી: વર્ષાન્તે ૨૯ ડોલરની સપાટી ગુમાવી પ્લેટીનમ તથા કોપરમાં પણ પીછેહટ: એકમાત્ર ક્રૂડમાં આગેકૂચ
- પેલેડીયમના ભાવ તૂટી નીચામાં ૯૦૦ ડોલરની અંદર ઉતર્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ૨૦૨૪ વર્ષના અંતિમ દિવસે પીછેહટ દેખાઈ હતી. જોકે વાર્ષિક ધોરણે ગબડતાં સોનાના ભાવમાં એકંદરે ૨૬ ટકાની તથા ચાંદીના ભાવમાં એકંદરે ૩૪થી ૩૫ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતુંં.
સોનામાં વાર્ષિક વૃદ્ધીમાં ૧૦ વર્ષનો તથા ચાંદીમાં ચાર વર્ષનો રેકોર્ડ તૂટયો છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ઊાન ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૮૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ તૂટી રૂ.૮૬૫૦૦ બોલાતા થયા હતા.
વિશ્વ બજારમાં સોનામાં વર્ષના અંતિમ દિવસે સોનામાં ઉછાળે ફંડો વેંચતા જોવા મળ્યા હતા. વૈશ્વિક સોનાનો ભાવ ઔંશના ૨૬૧૯ વાળા ઘટી નીચામાં ૨૬૧૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૯.૪૭થી ૨૯.૪૮ વાળા નીચામાં ૨૮.૭૯ થઈ ૨૮.૯૨થી ૨૮.૯૩ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૮ ટકા માઈન્સમાં રહ્યા હતા. ચીનમાં અપાનારા સ્ટીમ્યુલ્સ પર બજારની નજર હતી. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હતી.
નવા વર્ષના આરંભમાં મળનારી ઓપેકની મિટિંગ પર બજારની નજર હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૪.૭૩ થઈ ૭૪.૫૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૧ પાર કરી ૭૧.૭૪ થઈ ૭૧.૫૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન વૈશ્વિક પેલેડીયમના ભાવ આજે ગબડી એક તબક્કે નીચામાં ઔંશદીઠ ૯૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. જે છેલ્લે ૯૦૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૦૯ ડોલર રહ્યાહતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૮૮૯ વાળા રૂ.૭૫૭૪૦ થઈ રૂ.૭૫૮૫૭ બંધ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૧૯૫ વાળા રૂ.૭૬૦૪૫ થઈ રૂ.૭૬૧૬૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૧૭૫ વાળા નીચામાં રૂ.૮૫૬૮૦ થઈ છેલ્લે રૂ.૮૬૦૧૭ રહ્યા હતા.નવા વર્ષમાં સોના-ચાંદીના ભાવ વધઘટે વધુ ઉંચા જવાની શક્યતા બતાવાતી હતી.