શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ
Gold Price Today: વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે શેરબજારની સાથે સાથે કિંમતી ધાતુમાં પણ કડાકો નોંધાયો હતો. રાષ્ટ્રીય સ્તરે સોનું રૂ. 2613 પ્રતિ 10 ગ્રામ તૂટ્યું હતું. ચાંદીમાં પણ રૂ. 4000 પ્રતિ કિગ્રાનો કડાકો નોંધાયો હતો.
અમદાવાદમાં ચાંદી રૂ. 2000 મોંઘી થઈ
વૈશ્વિક પરિબળો વચ્ચે આજે અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 91500 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. જો કે, બે દિવસ પહેલાં શુક્રવારે 93200 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 1700 સસ્તુ થયું છે. ચાંદી પણ શુક્રવારે 93000 પ્રતિ કિગ્રા સામે રૂ. 4000 ઘટી શનિવારે રૂ. 89000 પ્રતિ કિગ્રા થઈ હતી. જે આજે રૂ. 2000 વધી રૂ. 91000 થઈ છે.
સોનું કેમ ઘટી રહ્યું છે?
અમેરિકા દ્વારા 4 એપ્રિલ, 2025 ના રોજ વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત બાદ ટ્રેડ વૉરની શરૂઆત થઈ છે. વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. નવી ખરીદી થંભી છે. તેમજ નાના પાયે પ્રોફિટ બુકિંગ વધતાં સોના-ચાંદીના ભાવમાં કડાકો નોંધાયો છે. IBJA મુજબ, સવારે સોનાની કિંમતમાં 1600 રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અન્ય અસરગ્રસ્ત અસ્કયામતોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું વેચી રહ્યા છે, જેના કારણે તેના ભાવમાં સતત ઘટાડો થવાની સંભાવના છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં સોનું પ્રતિ ગ્રામ 3163 ડોલરથી ઘટીને 3100 ડોલર પ્રતિ ગ્રામ પર આવી ગયું હતું. ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક બજાર દરો, આયાત જકાત, કર અને ચલણ વિનિમય દરોમાં થતી વધઘટ પર આધાર રાખે છે, જે તેના દરોને દરરોજ અસર કરે છે.
આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ
એમસીએક્સ સોના-ચાંદીમાં ઉછાળો
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19941.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.88000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88780 અને નીચામાં રૂ.87830ના મથાળે અથડાઈ, રૂ.88075ના આગલા બંધ સામે રૂ.655 વધી રૂ.88730ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.71526 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.9009 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.585 વધી રૂ.88525ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89350 અને નીચામાં રૂ.88025ના મથાળે અથડાઈ, રૂ.88467ના આગલા બંધ સામે રૂ.396 વધી રૂ.88863ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.88884ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90150 અને નીચામાં રૂ.87678ના સ્તરને સ્પર્શી, રૂ.87211ના આગલા બંધ સામે રૂ.2786 વધી રૂ.89997ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2610 વધી રૂ.90001 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2638 વધી રૂ.90001ના સ્તરે પહોંચ્યો હતો.