Budget 2025: બજેટની રજૂઆત સાથે સોના-ચાંદીમાં ધૂમ તેજી, જાણો કેટલો વધ્યો ભાવ...
Union Budget 2025: સંસદમાં નાણા મંત્રીએ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું છે. જે મહિલા, કૃષિ, ગરીબ અને મધ્યમવર્ગને કેન્દ્રિત હોવાની જાહેરાત કરી છે. બીજી તરફ બજેટમાં સકારાત્મક સુધારાઓની અપેક્ષાએ સોના-ચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી છે. એમસીએક્સ ખાતે વાયદા બજારમાં સોનું રૂ. 700થી વધુ ઉછળી રૂ. 82600 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું.
ઉલ્લેખનીય છે, ગતવર્ષે 2024-25ના બજેટમાં સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી. જેના પગલે સોનાની કિંમતો ઘટી હતી.
MCX સોના-ચાંદીમાં તેજી
એમસીએક્સ ખાતે આજે ચાલુ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોનાનો 5 ફેબ્રુઆરી વાયદો 11.13 વાગ્યે રૂ. 411 ઉછળી રૂ. 82299 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદી 5 માર્ચ વાયદો રૂ. 267 ઉછળી રૂ. 93595 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાર એપ્રિલ વાયદો રૂ. 82600 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
અમદાવાદમાં સોનું રેકોર્ડ ટોચે
અમદાવાદના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. ગઈકાલે સોનું રૂ. 1000 ઉછળી રૂ. 85000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી પણ રૂ. 500 વધી રૂ. 93000 પ્રતિ કિગ્રા થઈ હતી.
બજેટ વીકમાં સોનું રૂ. 2097 ઉછળ્યું
આ સપ્તાહ દરમિયાન સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.79,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,835 અને નીચામાં રૂ.79,500ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,097ના ઉછાળા સાથે રૂ.81,723ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,377 ઊછળી રૂ.65,538 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.144 વધી રૂ.8,075ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,945ના ઉછાળા સાથે રૂ.81,539ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદી રૂ. 2297 ઉછળી
આ સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.93,799 અને નીચામાં રૂ.89,369ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,297ના ઉછાળા સાથે રૂ.93,446ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,166ની તેજી સાથે રૂ.93,304 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,170ની વૃદ્ધિ સાથે રૂ.93,295 બંધ થયો હતો.