Gold Rate: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની સોના પર થઈ અસર, ડોલર મજબૂત થયો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
Gold Rate: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની સોના પર થઈ અસર, ડોલર મજબૂત થયો 1 - image

Image:Twitter 



Gold Prices Today: અમેરિકી ડોલર ઈન્ડેક્સમાં તેજી વચ્ચે સોનાની કિંમતો વધી છે. સોમવારે સવારના ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ ખાતે સોનાની કિંમત રૂ. 72214 પ્રતિ 10 ગ્રામના સ્તરે ખૂલ્યા બાદ વધી રૂ. 72362 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. સ્પોટ ગોલ્ડ 2360 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહ્યુ હતું.

સોનાના ભાવમાં વધારા પાછળનું કારણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે. સોનાના ભાવમાં 15થી 20 ટકા વૃદ્ધિ નોંધાઈ ચૂકી છે, આગળ પણ બુલિશ ટ્રેન્ડ રહેવાની સંભાવના કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. સોના માટે રૂ. 70000 પ્રતિ 10 ગ્રામની ટેકાની સપાટી જળવાય ત્યાં સુધી તેજી રહેશે.

યુએસ ડોલર ઈન્ડેક્સ 106ના સ્તરે પહોંચ્યું છે. જાપાનીઝ યેન વિરૂદ્ધ ડોલર 34 વર્ષની ટોચે પહોંચ્યો છે. મધ્ય-પૂર્વમાં તણાવ સતત વધી રહ્યું છે. ઈરાને 300થી વધુ ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો છે. જો કે, મોટાભાગની મિસાઈલો અને ડ્રોન ટાર્ગેટ સ્થળે પહોંચે તે પહેલાં જ ઈઝરાયલ, યુએસના સંયુક્ત સૈન્ય દળો દ્વારા તોડી પાડવામાં આવી હતી.

છેલ્લા દોઢ માસમાં સોનામાં 17 ટકા ઉછાળો

છેલ્લા દોઢ માસમાં સોનું રૂ. 62200 પ્રતિ 10 ગ્રામ સામે 17 ટકા ઉછળી રૂ. 72800 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે. વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે આગામી સમયમાં વધુ 10થી 15 ટકાનો ઉછાળો નોંધાવાની શક્યતા નિષ્ણાતો આપી રહ્યા છે. નજીકના ગાળા માટે રૂ. 70200ના સપોર્ટ સાથે રૂ. 73700-75200 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચવાની વકી છે.

રૂપિયો 6 પૈસા તૂટ્યો

યુએસ ડોલર સામે રૂપિયો આજે 6 પૈસા તૂટી 83.44ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં કરેક્શન તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલી ઉપરાંત મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવના કારણે ડોલર સામે રૂપિયો તૂટ્યો છે. રૂપિયો આજે ડોલર સામે 83.46ના સ્તરે ખૂલ્યો હતો.


Google NewsGoogle News