પાડોશી દેશમાં 1 તોલા સોનું રૂ. 2,00,000નું, ચાંદીની કિંમત પણ લાખોમાં, ભારતમાં કેવી છે સ્થિતિ
Gold Price In Pakistan: ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. ગઈકાલે અમદાવાદમાં સોનાની કિંમત રૂ.200 ઘટી રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી હતી. જો કે, ચાંદી રૂ. 2000 સસ્તી થઈ રૂ. 84000 પ્રતિ 1 કિગ્રા પર ક્વોટ થઈ હતી. બીજી બાજુ ભારતના પાડોશી દેશમાં સોના-ચાંદીના ભાવ લાખની સપાટી વટાવી ગયા છે.
પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાની કિંમત અધધધ...
પાડોશી દેશ પાકિસ્તાનમાં સોનાના ભાવ રૂ. 2 લાખ પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી ગયા છે. પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 228270.40 પ્રતિ 10 ગ્રામ (પાકિસ્તાની ચલણ) પર પહોંચી છે. સ્પોટ ગોલ્ડનો ભાવ પાકિસ્તાનમાં રૂ. 266250 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 267700એ પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ પાંચ SME IPOને રૂ. 65,000 કરોડથી વધુની બિડ મળી
ભારતીયો માટે પાકિસ્તાનથી સોનુ ખરીદવું સસ્તું
પાકિસ્તાનમાં સોનાની કિંમત રૂ. 2 લાખ પ્રતિ 10 ગ્રામ (પાકિસ્તાની ચલણ)ની સપાટી વટાવી ગઈ હોવા છતાં ભારતીય કરન્સીની તુલનાએ સોનું ભારત કરતાં સસ્તુ છે. પાકિસ્તાનની રૂપિયાની કિંમત ભારતમાં 0.3008 રૂપિયા છે. જે મુજબ 228270 પાકિસ્તાની રૂપિયા ભારતના રૂ. 68654 સમકક્ષ છે. જે મુજબ ભારતના સ્થાનિક માર્કેટમાં સોનાની કિંમતની તુલનાએ પાકિસ્તાનમાં સોનું રૂ. 3036 સસ્તુ છે.
સ્થાનીય બજારમાં આજે સોનાના ભાવ
IBJA દ્વારા આપવામાં આવેલ આંકડાંઓ મુજબ આજે અમદાવાદમાં 999 સોનાની કિંમત રૂ. 73410 પ્રતિ 10 ગ્રામ અને 995 સોનાની કિંમત રૂ. 67210 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહી છે. નોંધનીય છે, દેશભરમાં સોનાના દાગીનાની કિંમત મેકિંગ ચાર્જ, રાજ્યવાર ટેક્સ, અને પ્રોડક્શન ચાર્જ સહિતના કારણે જુદા-જુદા રાજ્યમાં અલગ-અલગ હોય છે.