Gold Prices: અમદાવાદમાં સોનાનો ભાવ એક મહિનામાં રૂ. 8500 વધ્યો, જાણો આગામી ટ્રેન્ડ
Gold Prices Boom: વૈશ્વિક પડકારો વચ્ચે સોનાની કિંમતો સતત છ સપ્તાહથી વધી રહી છે. અમદાવાદમાં સોનાની કિંમત છેલ્લા એક માસમાં રૂ. 8500 વધી છે. ચાંદી રૂ. 10000 વધી છે. આ સપ્તાહે સોનાનો ભાવ સ્થાનીય સ્તરે સપ્તાહ દરમિયાન રૂ. 1700 વધી 10 ગ્રામ દીઠ રૂ. 76200 અને ચાંદી કિલોદીઠ રૂ. 1000 વધી રૂ. 84000ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
ગત 20 માર્ચે સ્થાનિક સોનું રૂ. 67500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત રૂ. 74000 પ્રતિ કિગ્રા હતી. ગત શુક્રવારે સોનું રૂ. 76000 સામે રૂ. 8500 અને ચાંદી રૂ. 84000 સામે રૂ. 10000 વધી છે.
વર્તમાન પરિબળો
જિયો-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે રોકાણકારો સેફ હેવન સોના-ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે. જો કે, સોના-ચાંદીના ભાવો રેકોર્ડ ટોચે પહોંચતાં પ્રોફિટ બુકિંગ વધ્યુ છે. હાજર બજારોમાં ઘરાકી સાવ નહિંવત્ત થઈ છે. જેથી સોના-ચાંદીની કિંમતો આગામી ટૂંકસમય માટે સ્થિર કે ઘટાડા તરફી રહી શકે છે.
યુદ્ધની સ્થિતિ હળવી થાય તો સોનું તૂટશે
ઈઝરાયલે ઈરાન પર કોઈ હુમલો કર્યો ન હોવાનો દાવો કરતાં ઈરાન સરકારે જણાવ્યું હતું કે, ઈસ્ફાહનમાં સંભળાયેલા ધડાકા ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવાના ભાગરૂપે થયા હતા. પરિણામે કિંમતી ધાતુની કિંમતો ઘટી શકે છે. કિંમતમાં ઘટાડાનું અન્ય કારણ વ્યાજદરોમાં આ વર્ષે ઘટાડાની નહિંવત્ત શક્યતાઓ અને હોકિશ વલણ છે. ડોલર ઈન્ડેક્સ, યુએસ ટ્રેઝરી યીલ્ડ મજબૂત બની છે. યુદ્ધની સ્થિતિ યથાવત રહી તો સોના-ચાંદીમાં તેજી નોંધાશે.
એમસીએક્સ સોનું રૂ. 1039 વધ્યું
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 11,75,954 સોદાઓમાં રૂ.1,01,999.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,958ના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.71,200ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,039ના ઉછાળા સાથે રૂ.72,683ના ભાવે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.83,239ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,126ના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.82,609ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.426ની તેજી સાથે રૂ.83,273ના સ્તરે બંધ થયો હતો.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા
યુદ્ધનું જોખમ હળવું થવાના સંકેતો સાથે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ 3થી 3.4 ટકા ઘટ્યો છે. એમસીએક્સ પર ક્રૂડ ઓઈલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,322 અને નીચામાં રૂ.6,818 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.176 ઘટી રૂ.6,933 બોલાયો હતો.