Get The App

Gold Prices: સોનું ખરીદવાની સુવર્ણ તક, બે સપ્તાહમાં આટલું સસ્તું થયું, ચાંદીનો ભાવ પણ નરમ

Updated: May 4th, 2024


Google NewsGoogle News
Gold Prices: સોનું ખરીદવાની સુવર્ણ તક, બે સપ્તાહમાં આટલું સસ્તું થયું, ચાંદીનો ભાવ પણ નરમ 1 - image


Gold Prices In Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ તેની રેકોર્ડ ટોચથી સતત ઘટી રહ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં સોનું રૂ. 3500 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે ચાંદીની કિંમત પણ રૂ. 3000 પ્રતિ કિગ્રા ઘટી છે.

છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ખાતે સોના (99.9)ની કિંમત રૂ. 1200 ઘટી ગઈકાલ શુક્રવારે રૂ. 73500 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. જે અગાઉના શુક્રવારે રૂ. 74700 હતી. જ્યારે 19 એપ્રિલે સોનાની કિંમત રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ સાથે રેકોર્ડ ટોચ (76200)ની નજીક હતી.

ચાંદીનો ભાવ રૂ. 1500 ઘટ્યો

સાપ્તાહિક ધોરણે અમદાવાદમાં ચાંદીનો ભાવ ગઈકાલના રૂ. 80000 પ્રતિ કિગ્રા સાથે રૂ. 1500 ઘટ્યો છે. બે સપ્તાહમાં ચાંદી રૂ. 3000 પ્રતિ કિગ્રા સસ્તી થઈ છે. ચાંદીના રેકોર્ડ ભાવો તેમજ વૈશ્વિક પરિબળોના કારણે પ્રોફિટ બુકિંગ વધતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે.

કિંમતી ધાતુમાં ઘટાડા પાછળનું કારણ

ફેડ રિઝર્વે વ્યાજદરો જાળવી રાખ્યા છે, તેમજ અમેરિકી ફુગાવો 2 ટકાના દરે નિયંત્રિત કરવો મુશ્કેલ હોવાનું વિવિધ અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. જેના પગલે બુલિયન માર્કેટમાં સુસ્ત માહોલ સર્જાયો છે. રોકાણકારો હાલ ઊંચા ભાવોનો લાભ લેતાં પ્રોફિટ બુક કરી રહ્યા છે. નિષ્ણાતોએ એમસીએક્સ સોના માટે રૂ. 70000નો સપોર્ટ અને રૂ. 71250નો રેઝિસ્ટન્સ લેવલ આપ્યું છે. જો રેઝિસ્ટન્સ લેવલ જળવાય તો રૂ. 1000થી 1500 સુધીનો વધારો થવાનો સંકેત છે.

એમસીએક્સ સોનું રૂ. 478 અને ચાંદી વાયદો રૂ. 734 ઘટ્યો

અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,95,115 સોદાઓમાં રૂ.78,336.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,212ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,750 અને નીચામાં રૂ.70,301 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.478 ઘટી રૂ.70,736ના ભાવે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.80,819ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,400 અને નીચામાં રૂ.79,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.734 ઘટી રૂ.79,950 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,065 ઘટી રૂ.81,313 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,078 ઘટી રૂ.81,302 બંધ થયો હતો.

  Gold Prices: સોનું ખરીદવાની સુવર્ણ તક, બે સપ્તાહમાં આટલું સસ્તું થયું, ચાંદીનો ભાવ પણ નરમ 2 - image


Google NewsGoogle News