Gold Prices Today: અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે સ્થિર, જાણો શું છે સ્થિતિ
Gold Prices Today: વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં સ્થાનિક બજારોમાં ભાવ સ્થિર રહ્યા છે. જેની પાછળનું કારણ ઘરાકીનો અભાવ છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત આજે પણ રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહી હતી. જે ગઈકાલે ઓલટાઈમ હાઈ રૂ. 76200 સામે રૂ. 200 ઘટી હતી. ચાંદી પણ રૂ. 84000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.
સોનામાં પ્રોફિટ બુકિંગ થઈ શકે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જિયોપોલિટિકલ તણાવ વચ્ચે કોમેક્સ સોનુ રૂ. 72500-72800ની રેન્જમાં ટ્રેડ થયુ હતું. બંને દેશો વચ્ચે સમજૂતીના કોઈપણ સંકેતો સોનામાં પ્રોફિટ બુકિંગનું કારણ બની શકે છે. બીજી બાજુ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આ વર્ષે કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત વચ્ચે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. આ પડકારોના લીધે મોંઘવારી વધી તો વ્યાજદરમાં વધારો થવાની ભીતિ પણ સર્જાઈ છે. જેનાથી કિંમતી ધાતુની કિંમતો ઘટી શકે છે.
વૈશ્વિક સોનુ નવી ટોચ નજીક
વૈશ્વિક સ્તરે સોનુ ટ્રેડિંગના શરૂઆતના સેશનમાં 2417.59 ડોલર પ્રતિ ઔંશ સાથે ટોચ નજીક પહોંચ્યા હતા. જો કે, બાદમાં વધ્યા મથાળેથી ઘટી 2380.75 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થયા હતા. ગત સપ્તાહે ગ્લોબલ સ્પોટ ગોલ્ડની કિંમત ઐતિહાસિક સ્તરે 2431.29 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી જોવા મળી છે.
એમસીએક્સ સોનામાં પ્રોફિટ બુકિંગ
એમસીએક્સ ખાતે સોનામાં 5 જૂનનો વાયદો રૂ. 237 ઘટી રૂ. 72446 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો 3 મે મુજબ રૂ. 360 ઘટી રૂ. 82913 થયો હતો.