સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે, જાણો અમદાવાદમાં આજનો ભાવ
Gold Silver Prices In Ahmedabad: સોના-ચાંદીમાં તેજી સતત આગળ વધી રહી છે. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારોમાં ચાંદી ગઈકાલના ભાવની તુલનાએ રૂ. 4200 વધી રેકોર્ડ ટોચે પહોંચી છે. સોનુ પણ ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યું છે.
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ રૂ. 4200 વધી રૂ. 90000 પ્રતિ કિગ્રા થયો છે. જ્યારે સોનાની કિંમત રૂ. 400 વધી રૂ. 76100 પ્રતિ 10 ગ્રામ થઈ છે. અગાઉ સોનું 20 એપ્રિલના રોજ 76300 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું.
સોના કરતાં ચાંદીમાં સવાયુ રિટર્ન
મે મહિનામાં અત્યારસુધીમાં ચાંદીનો ભાવ રૂ. 9500 પ્રતિ કિગ્રા વધ્યો છે. જેમાં માત્ર 18 દિવસમાં રોકાણકારોને 11.80 ટકા રિટર્ન મળી રહ્યું છે. જ્યારે સોનામાં રૂ. 2100 પ્રતિ 10 ગ્રામ વૃદ્ધિ સાથે રોકાણકારોને 2.84 ટકા રિટર્ન છૂટ્યુ છે. બુલિયન રોકાણકારોની ચાંદીમાં ચાંદી-ચાંદી થઈ છે.
વૈશ્વિક બજારોમાં ચાંદી 31 ડોલર ક્રોસ
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં કટોકટીનો સામનો કરી રહેલા ચીને ઐતિહાસિક પગલું લેતાં કિંમતી ધાતુ બજારમાં તેજી આવી છે. વૈશ્વિક સ્તરે સ્પોટ સિલ્વર આજે 6.36 ટકા વધી 31.78 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. જે અગાઉ 2021 બાદની રેકોર્ડ ટોચ છે. પ્લેટિનમ પણ 1.46 ટકા વૃદ્ધિ સાથે 1013.00 ડોલરની વાર્ષિક ટોચે પહોંચ્યું હતું. કોમોડિટી નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળો, તેમજ વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ડોલરની વેચવાલીના માહોલના પગલે કિંમતી ધાતુ બજારમાંં તેજી જારી રહેશે.
ચીનના નાણા મંત્રાલયે 1 લાખ કરોડ યુઆન (138 અબજ ડોલર) અલ્ટ્રા-લોંગ સ્પેશિયલ સોવરિન બોન્ડ જારી કરવાનો નિર્ણય લીધો છે. ચીનના ઈકોનોમી ગ્રોથમાં મોટો હિસ્સો ધરાવતા પ્રોપર્ટી સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 10 મહિનાથી 70 શહેરોમાં નવા ઘરોની કિંમત ઘટી છે. જેથી સેક્ટરને અને ઈકોનોમીને આર્થિક ટેકો આપવા આ બોન્ડ જારી કરવામાં આવ્યા છે.