સોનામાં ઘટાડો: ટ્રમ્પની ચેતવણી છતાં સાઉદી અરેબીયા ક્રૂડના ભાવ વધારશે
- વૈશ્વિક ચાંદી ઔંશના ૩૦ ડોલરની અંદર ઉતરી: વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોના-ચાંદીમાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો
- અમેરિકામાં આજે નક્કી થનારા વ્યાજ દર પર ખેલાડીઓની નજર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીં વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. કરન્સી બજારમાં રૂપિયોતૂટતાં ઝવેરી બજારોમાં ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૬૨થી ૨૭૬૩ વાળા નીચામાં ૨૭૩૪ થઈ ૨૭૪૪થી ૨૭૪૫ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૮૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૩૦૦૦ રહ્યા હતા.
જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૯૧૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૫૦થી ૩૦.૫૧ વાળા નીચામાં ૨૯.૮૮થી ૩૦.૧૫થી ૩૦.૧૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૦૦૭૫ વાળા રૂ.૭૯૯૯૧ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૦૩૯૭ વાળા રૂ.૮૦૩૧૩ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૨૭૪ વાળા રૂ.૮૯૭૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૭૩ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૯૩૮ તથા ઉંચામાં ૯૫૦ થઈ ૯૪૬થી ૯૪૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૮ તથા ઉંચામાં ૯૭૦ થઈ ૯૬૩થી ૯૬૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી વધ્યા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૮.૧૪ વાળા નીચામાં ૭૭.૦૧ થઈ ૭૭.૬૯ ડોલર રહ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોએ ભાવ ઘટાડવા જોઈએ એવી હાકલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કર્યા પછી ભાવ નીચા ઉતર્યા હતા.
જો કે સાઉદી અરેબિયા માર્ચમાં એશિયા માટે ક્રૂડના ભાવ વધારવા વિચારણા કરી રહ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. આના પગલે વૈશ્વિક ભાવ ઘઠયા પછી ફરી ઉંચકાયાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં હવે બુધવારે નક્કી થનારા વ્યાજના દર પર વિશ્વના વિવિધ બજારોના ખેલાડીઓની નજર રહી હતી.