સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવમાં ઘટાડો: ચાંદીમાં રૂ.1000ની પીછેહટ
- જોકે ઘરઆંગણે રૂપિયો ફરી તૂટતાં ઝવેરીબજારોમાં સોનામાં ઘટાડો સિમિત રહ્યાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર ઉછાળે ઘટાડો બતાવતા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડો વેંચવા આવ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારોમાં પણ આજે ઉંચા મથાળે નવી માગ રુંધાતા નફારૂપી વેચવાલી શરૂ થઈ હતી.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામનિા રૂ.૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૮૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૫૯થી ૨૭૬૦ વાળા ઘટી નીચામાં ૨૭૩૭ થઈ ૨૭૪૦થી ૨૭૪૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૩૦.૮૩થી ૩૦.૮૪ વાળા નીચામાં ૩૦.૦૯ થઈ ૩૦.૧૪થી ૩૦.૧૫ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૬ ડોલર રહ્યા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૯૮૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૬ ટકા માઈનલમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચૌમાં ૭૯.૪૭ તથા નીચામાં ૭૮.૬૦ થઈ ૭૯.૦૩ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૦ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરીકન પેટ્રોલીયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૯૮૭૩ વાળા રૂ.૭૯૭૧૯ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૦૧૯૪ વાળા રૂ.૮૦૦૩૯ રહ્યા હતા. રૂપિયો ફરી તૂટતાં આજે સોનામાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૧૨૪૮ વાળા રૂ.૯૦૬૩૩ રહ્યા હતા.