સોનામાં ફરી તેજીના સંકેત, આ કારણે ભાવ વધવાની સંભાવના, જાણો આજની લેટેસ્ટ અપડેટ્સ
Gold Price Today: કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત બાદથી સ્થાનિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા હતા. પરંતુ મધ્ય-પૂર્વીય દેશોમાં જિઓ-પોલિટિકલ તણાવ વધતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોની જાહેરાત પૂર્વે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા છે. પરિણામે સ્થાનિક સ્તરે પણ સોનાના ભાવમાં ફરી પાછો વધારો થવાની સંભાવના છે.
ગઈકાલે અમદાવાદમાં રિટેલ બજારમાં સોનું રૂ. 72000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 82500 પ્રતિ 1 કિગ્રા પર સ્થિર રહી હતી. છેલ્લા બે દિવસથી સોના-ચાંદીમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. પરંતુ આજે ભાવ ઉંચકાઈ 72500-72750 પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે.
એમસીએક્સ ગોલ્ડ રૂ. 300 વધી રૂ. 69478 પ્રતિ 10 ગ્રામ અને સિલ્વર રૂ. 586 વધી રૂ. 83227 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોટ ગોલ્ડ 0.4 ટકા વધી 2416.79 ડોલર પ્રતિ ઔંશ અને ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા વધી 2414.80 ડોલર પ્રતિ ઔંશ નોંધાયુ હતું.
આ પણ વાંચોઃ શેરબજારમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક
નિષ્ણાતના મતે
મહેતા ઈક્વિટીઝના કોમોડિટીઝ વાઈસ પ્રેસિડન્ટ રાહુલ કાલિંત્રીએ જણાવ્યું હતું કે, માર્કેટ સેન્ટિમેન્ટ મિક્સ છે. યુએસ ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં ઘટાડો તેમજ ફેડ દ્વારા બુધવારે વ્યાજદરો અંગે નિર્ણયની જાહેરાત પૂર્વે બુલિયન ઈન્વેસ્ટર્સ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. બાદમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી શકે છે. વધુમાં આઈએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને બિનકૃષિ રોજગાર આંકડાઓ પર પણ નજર છે.
ઈઝરાયલે હમાસ લીડરને ઠાર કર્યા હોવાની જાહેરાત બાદથી મધ્ય-પૂર્વમાં જિઓપોલિટિકલ ટેન્શન વધ્યું છે. જેથી સેફ હેવનની માગ વધશે. સોનુ એ નીચા વ્યાજના દરો અને આર્થિક જોખમો-જિઓપોલિટિકલ ક્રાઈસિસમાં હેજિંગ માટે ઉત્તમ ગણાય છે. જેથી સોનાના ભાવ વધવાની સંભાવના છે.
ટેક્નિકલ વ્યૂહ
વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 2392-2378 ડોલર પ્રતિ ઔંશ પર સપોર્ટ અને 2420-2438 ડોલર પ્રતિ ઔંશ પર રેઝિસ્ટન્સ લેવલ નિર્ધારિત કર્યું છે. એમસીએક્સ સોનાનો સપોર્ટ લેવલ રૂ. 658310-68050 પ્રતિ 10 ગ્રામ અને રેઝિસ્ટન્સ લેવલ 68830-68980 પ્રતિ 10 ગ્રામ છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.