Get The App

સોનામાં આગેકૂચ: વિશ્વબજારમાં રેકોર્ડ : ચાંદી તથા પ્લેટીનમમાં પીછેહટ નોંધાઇ

- કોપર પણ બે મહિનાની ટોચ પરથી ઘટયું : બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવમાં વધુ ઘટાડો

- અફઘાનિસ્તાનમાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યાના નિર્દેશો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
સોનામાં આગેકૂચ: વિશ્વબજારમાં રેકોર્ડ : ચાંદી તથા પ્લેટીનમમાં પીછેહટ નોંધાઇ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહીહતી. જોકે બંધ બજારે હવામાન મિશ્ર હતું તથા સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા મથાળેથી ઘટાડો બતાવતા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૧૭થી ૨૬૧૮ વાળા વધી ઉંચામાં ૨૬૨૫થી ૨૬૨૬ ડોલરનો નવો રેકોર્ડ બનાવી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૬૨૧થી ૨૬૨૨ ડોલર રહ્યાના સમાચાર હતા.

 વિશ્વબજારમાં ડોલરની નબળાઈ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું એકટીવ બાઈંગ જળવાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદી કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૮૫૦૦ રહી હતી.

જોકે મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ ઉંચા મથાળે નરમ હતા. અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડા પછી વૈશ્વિક સ્તરે ડોલરના ભાવ દબાણ હેઠળ જ્યારે સોનાના ભાવ તેજી તરફી રહ્યાના બજારના જાણકારોએ જણાવ્યું હતું. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૧૦૦.૪૧ થઈ છેલ્લે ૧૦૦.૭૪ રહ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૫૬ વાળા ઘટી રૂ.૮૩.૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ વધતાં અટકી ઔંશદીઠ ૩૧.૩૮થી ૩૧.૩૯ વાળા નીચામાં ૩૦.૭૧થી ૩૦.૭૨ થઈ છેલ્લે ભાવ ૩૧.૧૭થી ૩૧.૧૮ ડોલર રહ્યા હતા. ચીનની નવી માગ ધીમી પડતાં ચાંદી ઉપરાંત કોપર તથા ક્રૂડના ભાવ પણ સુસ્ત રહ્યા હતા.

 પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ પીછેહટ દેખાઈ હતી. વિશ્વબજારમાં કોપરના ભાવ બે મહિનાની ટોચથી ૦.૦૯ ટકા સપ્તાહના અંતે ઘટયા હતા. વૈશ્વીક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૦થી ૯૯૧ વાળા નીચામાં ૯૭૫થી ૯૭૬ થઈ છેલ્લે ભાવ ૯૭૯થી ૯૮૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૭૭થી ૧૦૭૮ વાળા નીચામાં ૧૦૬૨થી ૧૦૬૩ થઈ છેલ્લે ૧૦૬૯થી ૧૦૭૦ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ સાંકડી વધઘટે સુસ્ત હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૩૯ વાળા છેલ્લે ૭૪.૪૯ ડોલર જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૧.૬૫ વાળા છેલ્લે ૭૧.૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૭૯૬ વાળા રૂ.૭૪૧૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૪૦૯૩ વાળા રૂ.૭૪૪૦૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૯૧૭ વાળા રૂ.૮૮૭૫૦ બોલાતા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, અફઘાનિસ્તાનમાં ક્રૂડતેલનું ઉત્પાદન વધ્યાના વાવડ મળ્યા હતા. ત્યાં નોર્થ સરીમુલ વિસ્તારમાં દૈનિક ૧૩૦૦ ટન ક્રૂડ ઓઈલ મળી રહ્યાના સમાચાર હતા.

bullion

Google NewsGoogle News