સોનામાં તેજી, રૂ.73,000 બોલાયા: જો કે ચાંદીમાં બોલેલો રૂ.1,000નો કડાકો
- વૈશ્વિક સોનું વધી ઉંચામાં ઔંશના ૨૪૭૫ ડોલર ઉપર ગયું: ચાંદીના ભાવ ૨૮ ડોલર પાર કર્યા પછી ગબડયા
- ક્રૂડતેલના ભાવ ઉછળી ૮૨ ડોલર પાર કર્યા પછી ફરી નીચા ઉતર્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઝડપી ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવ ગબડતાં બજારમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં તેજી આગળ વધ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૪૪૪થી ૨૪૪૫ વાળા ઉંચામાં ભાવ ૨૪૭૬ થઈ ૨૪૬૬થી ૨૪૬૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં મિડલ ઈસ્ટાં ઈઝરાયલ તથા હમાસ, ઈરાન, પેલેસ્ટાઈન વચ્ચે તંગદીલી વધતાં તથા રશિયા અને યુક્રેન વચ્ચે પણ તંગદીલી વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું.
વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં આજે સોનામાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા.
જોકે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૮૧૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૭.૯૨થી ૨૭.૯૩ વાળા ઉંચામાં ૨૮.૦૪ થયા પછી નીચામાં ભાવ ૨૭.૬૨ થઈ ૨૭.૭૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદી બજારમાં ઉછાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૮ વાળા ૯૪૪ થયા પછી ૯૩૩ થઈ ૯૩૫થી ૯૩૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૩૪ વાળા ૯૧૫ થઈ ફરી વધી ૯૩૦થી ૯૩૧ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે સાંજે ૦.૬૫ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૫૪ વાળા ઉંચામાં ૮૨.૩૦ થયા પછી ૮૧.૮૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૭.૮૭ વાળા ઉંચામાં ૮૦.૧૫ થઈ ૭૯.૭૯ ડોલર રહ્યા હતા. ઉછાળે નવી માગ ધીમી રહી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૯૬૧૦ વાલા વધી રૂ.૭૦૧૬૨ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૯૮૯૦ વાળા રૂ.૭૦૪૪૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૧૧૨૪ વાળા ઘટી ૮૦૫૯૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૦૭૦૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.