સોના-ચાંદીના રોકાણકારો ફાવ્યા, સાપ્તાહિક ધોરણે ગોલ્ડમાં રૂ. 2700 સિલ્વરમાં રૂ. 4000 રિટર્ન મળ્યું
Gold Price Boom: શેરબજારની સાથે સાથે સોના-ચાંદી જેવા પારંપારિક રોકાણ માધ્યમોમાં રોકાણ કરતાં રોકાણકારો પણ કમાયા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરબજાર ઉપરાંત સોના-ચાંદીમાં પણ વિક્રમી તેજીના પગલે રોકાણકારોને ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યું છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો, સ્થાનિક સ્તરે સોનામાં રૂ. 2700 અને ચાંદીમાં રૂ. 4000 રિટર્ન છૂટ્યું છે.
અમદાવાદ ચોક્સી મહાજન દ્વારા જારી થતાં ભાવ પ્રમાણે, ગત સોમવારે સોનાની કિંમત રૂ. 73800 પ્રતિ 10 ગ્રામ હતી, જે વધી શનિવારે રૂ. 76500 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. આજે રૂ. 76600ના લેવલે ખૂલતાં રેકોર્ડ લેવલ વટાવે તેવી શક્યતા છે. અગાઉ 17 જુલાઈ સોનું રૂ. 76700ની ઓલટાઈમ હાઈ સપાટીએ નોંધાયુ હતું.
આ પણ વાંચોઃ શેરબજારમાં રોકાણકારો માલામાલ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
ચાંદીમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી
ઉલ્લેખનીય છે, કિંમતી ધાતુમાં સોના કરતાં ચાંદીમાં મોટાપાયે તેજી જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદીની કિંમત રૂ. 4000 પ્રતિ કિગ્રા વધી છે. હાલ ચાંદીનો ભાવ રૂ. 86000-86500 પ્રતિ કિગ્રા આસપાસ બોલાઈ રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં પણ ચાંદી જુલાઈમાં 93500ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આ ભાવે વર્ષ જૂના રોકાણકારોને રૂ. 15000થી વધુ રિટર્ન મળ્યું હતું.
આજે સોના-ચાંદીની સ્થિતિ
એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 0.18 ટકા (રૂ. 130)ના ઉછાળા સાથે ખૂલ્યા બાદ રૂ. 189ના ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી ડિસેમ્બર વાયદો રૂ. 828 સુધારા સાથે ખૂલ્યા બાદ રૂ. 1069 ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ડોલર ઈન્ડેક્સ, ટ્રેઝરી યીલ્ડ ઘટ્યા
વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓના પગલે બુલિયન માર્કેટ તેજીમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવ તેજી સાથે વધી રહ્યા છે. 52 ટકા લોકો માને છે કે, ફેડ વ્યાજના દરો 0.5 ટકા ઘટાડશે, જ્યારે 43 ટકાના મતે 0.25 ટકાનો ઘટાડો થવાની સંભાવના દર્શાવાઈ છે. યુએસ ડોલર ઈન્ડેક્સ 0.17 ટકા તૂટી 100.94 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેઝરી યીલ્ડ પણ ઘટી છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.