સોનાના ભાવ આજે ફરી વધ્યા, ચાંદીમાં પણ ઉછાળો, જાણો અમદાવાદમાં લેટેસ્ટ કિંમત
Gold Price Today: કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટતાં સોનાના ભાવ ગગડ્યા હતા. પરંતુ 1 ઓગસ્ટથી ફરી પાછી તેજી જોવા મળી છે. જેની પાછળનું કારણ વૈશ્વિક પરિબળો છે. આજે અમદાવાદમાં સોના-ચાંદીમાં રૂ. 500-500નો વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સોનાની કિંમત આજે રૂ. 500 વધી 73000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 500 વધી રૂ. 84500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. આગામી સમયમાં સોનાના ભાવમાં વૃદ્ધિના સંકેતો જોવા મળ્યા છે.
સોનામાં તેજી વધવાનો સંકેત
એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ વાઈસ પ્રેસિડન્ટ જતીન ત્રિવેદીએ સોનામાં તેજી જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજે સોનું વધુ રૂ. 600 વધી રૂ. 70555 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યુ છે. કોમેક્સ સોનું પણ 2460 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડેડ છે. અમેરિકામાં બેરોજગારીના નબળા આંકડા તેમજ મધ્ય-પૂર્વમાં તણાવના લીધે અમેરિકામાં મંદીની ભીતિ વધી છે. હવે બિનકૃષિ નોકરીના આંકડાઓ પર ફોકસ છે. ત્યારબાદ ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં રેટ કટ અંગેના નિર્ણયનું ચિત્ર સ્પષ્ટ થશે. જેથી સોના માટે પોઝિટીવ વલણ જોવા મળ્યું છે.
કસ્ટમ ડ્યૂટી ઘટતાં માગ 20 ટકા વધી
સ્થાનિક સ્તરે કસ્ટમ ડ્યૂટી ઘટતાં સોનાની માગ 20 ટકા વધી હોવાનું એન્જલ વનના પ્રથમેશ માલ્યાએ જણાવ્યું છે. આ તહેવારની સિઝનમાં કિંમતી ધાતુના વેચાણ વધવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે મધ્ય-પૂર્વમાં વણસી રહેલો જિઓ-પોલિટિકલ તણાવ તેમજ અમેરિકામાં બેરોજગારી અને પીએમઆઈના નબળા આંકડાના પગલે સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે.
એમસીએક્સ સોના-ચાંદીની સ્થિતિ
કિંમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.70,397 અને નીચામાં રૂ.70,100ના મથાળે અથડાઈ, રૂ.446 વધી રૂ.70,100ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.392 વધી રૂ.56,742 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.6,945ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.638 વધી રૂ.70,050ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,702ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84,157 અને નીચામાં રૂ.83,500ના મથાળે અથડાઈ, રૂ.1,331 વધી રૂ.83,925ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,245 વધી રૂ.83,938 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,250 વધી રૂ.83,935 બોલાઈ રહ્યો હતો.